ગીર સોમનાથના દરિયામાં બે દિવસમાં બે યુવકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. બીજી તરફ દેવભૂમી દ્વારકામાં પણ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે પ્રવાસીઓની ભીડ જામી છે. દરિયામાં ભારે કરંટ હોવા છતાં લોકો જીવના જોખમે દરિયામાં સ્નાન કરી રહ્યાં છે. પાલિકા તંત્ર દ્વારા મનાઈ હોવા છતાં લોકો દરિયામાં મોજ કરતા હોવાના દ્રશ્યો સામે આવ્યાં છે. લોકોને રોકવા માટે કોઈ સિક્યુરિટી પણ હાજર નહીં હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી. આજે દ્વારકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. વરસતા વરસાદમાં પણ લોકોએ દરિયામાં જીવના જોખમે સ્નાન કર્યું હતું.


દ્વારકાના દરિયામાં જીવના જોખમે સ્નાન કરતા લોકો

પ્રાપ્ત વિગતો પ્રમાણે જન્માષ્ટમીનો તહેવાર અને ત્રણ દિવસની રજાઓ હોવાથી દેવભૂમિ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે લોકોની ભીડ જામી છે. ભારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે. બીજી તરફ ગોમતીઘાટ અને દરિયામાં લોકો ડૂબકી મારતાં પણ નજરે પડ્યાં છે. દરિયામાં ભારે કરંટ હોવા છતાં લોકો જીવના જોખમે સ્નાન કરી રહ્યાં છે. પાલિકા તંત્ર દ્વારા સિક્યુરિટી બોર્ડ પણ લગાવ્યા છે. લોકોને રોકવા માટે ત્યાં કોઈ સિક્યુરિટી હાજર નહીં હોવાની પણ વિગતો મળી છે. લોકોની મોજ જોખમી સાબિત થાય તો જવાબદારી કોની તેવા અનેક સવાલો ઉભા થયાં છે. કારણ કે થોડા સમય પહેલા જ ગોમતીઘાટમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હોવાનો બનાવ પણ સામે આવ્યો હતો.

ગીર સોમનાથમાં દરિયામાં ન્હાવા પડેલો યુવક ડૂબ્યો

ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથના દરિયામાં પણ ન્હાવા પડેલા એક યુવક ડૂબ્યો હતો. ગઈકાલે પણ એક યુવક ડૂબ્યો હોવાની વિગતો સામે આવી હતી. સ્થાનિક લોકોએ યુવકને બચાવી લીધો હતો. દરિયામાં પ્રતિબંધ હોવા છતાં લોકો ન્હાવા પડતા હોય છે અને જીવનું જોખમ ઉભુ કરતા હોય છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાં પણ પ્રવાસીઓની ભીડ જામી છે અને લોકો દરિયામાં જોખમી સ્નાન કરી રહ્યાં છે.


  • Follow us on: