દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદને કારણે ભોગાત ગામ નજીક જુનીપર કંપનીના સબસ્ટેશનમાં 10થી 12 શ્રમિકો બાળકો સાથે પાણીમાં ફસાઈ ગયા હતા. પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે શ્રમિકોએ પોતાનો જીવ બચાવવા માટે એક કન્ટેનરનો આશરો લીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી.


જુનીપર કંપનીના શ્રમિકો અને બાળકો સહિત 10 થી 12 લોકો સબસ્ટેશનમાં ફસાયા

ભારે વરસાદને કારણે સબસ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા અને આ શ્રમિકો બાળકો સાથે ત્યાં ફસાઈ ગયા હતા. પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી પરિસ્થિતિ ગંભીર બની રહી હતી. જોકે શ્રમિકોએ સમયસૂચકતા વાપરીને સબસ્ટેશન નજીક પડેલા એક કન્ટેનરમાં આશરો લીધો હતો. જેના કારણે તેઓ પાણીના પ્રવાહથી સુરક્ષિત રહ્યા હતા. પાણીમાં ફસાયેલા લોકોની માહિતી મળતા જ તંત્ર સક્રિય થયું હતું. ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

ફાયર જવાનો સ્થાનિક તરવૈયાઓની મદદથી બચાવ કામગીરી હાથ ધરાઇ

પાણીનો પ્રવાહ વધુ હોવા છતાં બચાવ ટીમે ભારે જહેમત ઉઠાવીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. તમામ શ્રમિકો અને બાળકોને એક પછી એક સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. હાલમાં તમામ શ્રમિકો સુરક્ષિત છે અને તેમને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર વરસાદ દરમિયાન નીચાણવાળા વિસ્તારો અને નદી-નાળાઓની નજીક સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તંત્રની સમયસરની કામગીરી અને સ્થાનિક લોકોના સહકારથી આ મોટી દુર્ઘટના ટળી હતી.


  • Follow us on: