દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના નાગરિકો તેમજ ખેડૂતોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે આ બંને જિલ્લાઓમાં પીવાના અને સિંચાઈના પાણીની જરૂરિયાત સ્થાનિક જળાશયો દ્વારા પૂરી કરવામાં આવતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે ઓછો વરસાદ થયો હોવાથી અને નર્મદા બેસિનમાં પણ જળસંગ્રહ સાધારણ કરતાં ઓછો હોવાથી સ્થાનિક કક્ષાએ પાણીની ખેંચ અનુભવાઈ રહી હતી, જેને ધ્યાને રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ મંજૂરી આપી છે.
મચ્છુ-2 જળાશયમાંથી સૌની લીન્ક-1 મારફતે 600 ક્યુસેક પાણી છોડાશે
રાજ્યના જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગ તરફથી મળતી અધિકૃત માહિતી અનુસાર, મુખ્યમંત્રીના નિર્દેશ બાદ સૌની યોજનાની પાઇપલાઇન મારફતે મચ્છુ-2 જળાશયમાંથી પાણી ઉપાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં સૌની લીન્ક-1 મારફતે 600 ક્યુસેક પાણીનો જથ્થો સતત વહાવવામાં આવી રહ્યો છે, જેથી બંને જિલ્લા સુધી નિર્ધારિત સમયમાં પાણી પહોંચાડી શકાય.
