રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક, ગુણવત્તાસભર અને નિયમિત બનાવવા માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ‘ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન એક્ટ’માં કરવામાં આવેલા નવા સુધારાઓના અમલ માટે સરકારે અધિકૃત નોટિફિકેશન બહાર પાડી દીધું છે. આ નવા નિયમોના અમલીકરણથી ખાસ કરીને સરકારી ગ્રાન્ટ મેળવતી ખાનગી (ગ્રાન્ટેડ) શાળાઓ અને ખાનગી શિક્ષણ સંસ્થાઓનું નિયમન વધુ સ્પષ્ટ અને કડક બનશે.

ગેરકાયદે શાળા અને નિયમવિરુદ્ધ ભરતી પર 15 લાખ સુધીનો દંડ અને કેદ

નવા કાયદાકીય પ્રાવધાન હેઠળ શિક્ષણ વિભાગે બિનઅધિકૃત રીતે ચાલતી શાળાઓ અને ગેરકાયદેસર ભરતીઓ સામે લાલ આંખ કરી છે. મંજૂરી વગર ચાલતી અનધિકૃત શાળાઓ તેમજ નિયમોનો ભંગ કરીને કરવામાં આવતી સ્ટાફ ભરતી સામે આકરા દંડ અને જેલની જોગવાઈ કરવામાં આવી છે. આ નિયમોના ભંગ બદલ સંચાલકો સામે રૂ. 10 લાખથી લઈને રૂ. 15 લાખ સુધીનો ભારે દંડ તેમજ 1 વર્ષથી 2 વર્ષ સુધીની કેદની સજા ફટકારવામાં આવશે.

શિક્ષકોની ભરતીમાં અનામત, સસ્પેન્શન અને શાળા બંધ કરવા અંગે કડક નિયમો

સુધારા મુજબ, શાળાઓમાં શિક્ષકો, આચાર્યો અને બિન-શૈક્ષણિક કર્મચારીઓની ભરતી તથા તેમની લાયકાતો સંદર્ભે સરકાર પોતે નિયમો બનાવી શકશે. ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતી પ્રક્રિયા દરમિયાન રાજ્યની અનામત નીતિનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત, શાળા સંચાલકો હવે શિક્ષક કે આચાર્યને મનસ્વી રીતે સસ્પેન્ડ નહીં કરી શકે, તેના માટે શિક્ષણ બોર્ડની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય બનાવવામાં આવી છે. સાથોસાથ, શાળા બંધ કરવા માટે પણ ચોક્કસ નિર્ધારિત પ્રક્રિયા અનુસરીને બોર્ડની મંજૂરી મેળવવી ફરજિયાત કરવામાં આવી છે.

આ પણ વાંચો : Anandમાં દુષ્કર્મના આરોપી સરપંચ સામે DDO ની લાલ આંખ, નવાખલના દિલીપ સોલંકી સરપંચ પદેથી સસ્પેન્ડ!