ધી ઈન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ (ICSI) દ્વારા તાજેતરમાં લેવાયેલી કંપની સેક્રેટરી એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ (CSEET)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરતની વિદ્યાર્થીની સુશ્રી કાર્તિકાએ વિપરીત સંજોગો વચ્ચે પણ મેરિટ લાયક સફળતા પ્રાપ્ત કરી છે. મૂળ તમિલનાડુના કાર્તિકાએ પોતાના દાદાના અવસાનના આઘાત વચ્ચે સુરત સ્થળાંતર કર્યું હતું. આ કપરા સમયમાં પણ તેમણે હાર માન્યા વગર માત્ર બે મહિનાના ઓનલાઇન અભ્યાસ થકી CSEET પરીક્ષા આપી અને 200માંથી 167 માર્ક્સ મેળવી શાનદાર સફળતા હાંસલ કરી છે. કાર્તિકાએ પોતાની સફળતા વિશે જણાવ્યું હતું કે, કોલેજના અભ્યાસ સાથે સતત મહેનત અને પરિવાર તેમજ માર્ગદર્શકોના સહકારથી આ સિદ્ધિ મળી છે.
CS બનવા માટે આગામી તક
ICSI દ્વારા આ પરીક્ષા 8 અને 10 નવેમ્બરના રોજ લેવાઈ હતી અને સંસ્થાએ માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં પરિણામ જાહેર કરી દીધું છે. સુરતમાંથી કાર્તિકા ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓએ પણ ઉમદા પ્રદર્શન કર્યું છે, જેમાં ધનુષ વાગરમે 156 માર્ક્સ અને હેત હરખાણીએ 138 માર્ક્સ મેળવીને સફળતા પ્રાપ્ત કરી છે. કંપની સેક્રેટરી બનવા માટે વિદ્યાર્થીએ કુલ ત્રણ તબક્કામાંથી પસાર થવું પડે છે: પ્રથમ સ્ટેજ CSEET, બીજો સ્ટેજ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ અને અંતિમ સ્ટેજ પ્રોફેશનલ પ્રોગ્રામ.













