સુરતના પાલનપુર જકાતનાકા નજીક આવેલી સરસ્વતી પાર્ક ટાઉનશીપમાં આજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં આવેલી ગ્રાઉન્ડ પ્લસ 3 માળની એક જર્જરિત બિલ્ડિંગનો દાદર અચાનક તૂટી પડ્યો હતો, જેના કારણે ટાઉનશીપમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દાદર તૂટી પડતાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ફાયર વિભાગે તરત જ રેસ્ક્યુની કામગીરી શરૂ કરી હતી.
સરસ્વતી ટાઉનશીપમાં હોબાળો
ફાયર ફાઇટર્સની સમયસૂચકતા અને ઝડપી કાર્યવાહીને કારણે બિલ્ડિંગમાં ફસાયેલા કુલ 19 જેટલા લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. સદનસીબે, આ ગંભીર દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. જોકે, બિલ્ડિંગનો દાદર તૂટવાના કારણે માળખાકીય સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા થયા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને હવે બિલ્ડિંગની સુરક્ષા અને દાદર તૂટવાના કારણોની તપાસ શરૂ કરી છે.













