રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં તાજેતરમાં બનેલી એક ગમખ્વાર માર્ગ દુર્ઘટનાના પગલે જેતપુર બાર એસોસિએશને એક અભૂતપૂર્વ અને કડક નિર્ણય લીધો છે. ગત તા. 16 નવેમ્બર, 2025ના રોજ શહેરના તીનબતી ચોક વિસ્તારમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ડમ્પર નંબર GJ-08-W-0258ના બેદરકાર ચાલકે યુવા ધારાશાસ્ત્રી રવિ એમ. સરવૈયાના પિતા મહેશભાઈને અડફેટે લીધા હતા, જેના કારણે મહેશભાઈનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું.
તીનબતી ચોક દુર્ઘટના પર આક્રોશ
આ ગંભીર બનાવની ગંભીરતા જોતાં, તા. 17 નવેમ્બર, 2025ના રોજ જેતપુર બાર એસોસિએશનના પ્રમુખ મહાવીર જે. પટેલ અને સેક્રેટરી વિક્રમ એમ. પારઘીની આગેવાની હેઠળ તાત્કાલિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં તમામ હોદ્દેદારો અને સભ્યોએ સર્વાનુમતે એક ઐતિહાસિક ઠરાવ પસાર કર્યો છે. ઠરાવ મુજબ, જેતપુર બારનો કોઈપણ વકીલ આ અકસ્માત સર્જનાર ડમ્પરના આરોપી ડ્રાઈવર કે માલિક તરફે કોર્ટમાં વકીલપત્ર રજૂ કરશે નહીં કે તેમનો કેસ લડશે નહીં. બાર એસોસિએશને સ્પષ્ટતા કરી છે કે આ કડક નિર્ણય વકીલો કે તેમના પરિવાર સાથે ભવિષ્યમાં આવી અનિચ્છનીય ઘટનાઓ ન બને અને સંગઠનની એકતા જળવાઈ રહે તેવા બેવડા હેતુથી લેવામાં આવ્યો છે.













