હાલ દેશ પર અલનીનોનો ખતરો તોળાયો છે. જેની અસરને પગલે ચોમાસુ પણ નિયત સમય કરતા મોડુ બેસ્યુ છે. જેને કારણે દેશના વિવિધ રાજ્યોમાં પાણીને લઇને સમસ્યાઓ વધી રહી છે. તેમાં પણ ખાસ કરીને વાત કરીએ તો ખેડૂતોની. ખેડૂતો વાવણી કરીને વરસાદની વાટ જોઇને બેઠા હતા પરંતુ વરસાદે ઘણી રાહ જોવડાવી. ભયંકર ગરમી, ઓછો વરસાદ આ બંને અત્યારે જોઇ રહ્યા છીએ પરંતુ
આગામી દિવસોમાં અલનીનોની અસર પ્રબળ બને તેવી શક્યતા છે.
અલનીનોની અસર સામે કેન્દ્ર સરકારની તૈયારી
કેન્દ્ર સરકારે અલનીનોની અસર સામે પહોંચી વળવા માટે તૈયારી દર્શાવી છે. કેન્દ્ર સરકારે ખરીફ સીઝન માટે પોતાની તૈયારીઓ તેજ કરી દીધી છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યોના કૃષિ મંત્રીઓ, કલેક્ટર્સ અને હવામાન વિભાગ (IMD) ના નિષ્ણાતો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે ખેડૂતોને ખાતરી આપી કે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને આ પડકારનો સામનો કરવા સંપૂર્ણ સજ્જ છે.
કેન્દ્ર સરકારે 315 સંવેદનશીલ જિલ્લાઓની ઓળખ કરી
કેન્દ્રીય મંત્રીના જણાવ્યા મુજબ હાલમાં આ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં મોડું ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં 43% ઓછો વરસાદ નોંધાયો છે. ખાસ કરીને વરસાદ આધારિત ખેતી ધરાવતા વિસ્તારો પર આની સીધી અસર પડી શકે છે. જો કે સરકાર પરિસ્થિતિ બગડવાની રાહ જોયા વિના વૈજ્ઞાનિક આયોજન અને ગ્રાઉન્ડ લેવલ પર અગાઉથી જ કામ કરી રહી છે જેથી ખેડૂતોની આજીવિકા સુરક્ષિત રહે. સરકારે આવા 315 સંવેદનશીલ જિલ્લાઓની ઓળખ કરી છે. જેમાં ગુજરાતના 23 જિલ્લાઓનો પણ સમાવેશ થાય છે.
અલનીનોની અસર વાળા ગુજરાતના જિલ્લાઓની યાદી વાંચવા ક્લિક કરો.
ગુજરાતના કયા 23 જિલ્લાઓ સંવેદનશીલ
- અમરેલી
- અરવલ્લી
- બનાસકાંઠા
- ભાવનગર
- બોટાદ
- છોટા ઉદેપુર
- દેવભૂમિ દ્વારકા
- દાહોદ
- ગાંધીનગર
- ગીર સોમનાથ
- જામનગર
- કચ્છ
- મહિસાગર
- નર્મદા
- પંચમહાલ
- પોરબંદર
- રાજકોટ
- સાબરકાંઠા
- તાપી
- ડાંગ
- વલસાડ
આ 315 સંવેદનશીલ જિલ્લાને પણ વર્ગીકૃત કરાયા છે. જેમાં 111 જિલ્લા એવા છે જ્યાં 25% થી ઓછી સિંચાઈની સવલતો છે. જ્યારે 76 જિલ્લા એવા છે જ્યાં 25-50 % સિંચાઈ શક્ય છે. આ ઉપરાંત 128 જિલ્લા એવા છે જ્યાં સિંચાઇ માટે ડેમ અને અન્ય સ્રોતો ઉપલબ્ધ છે. આ જિલ્લાઓ મુખ્યત્વે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કર્ણાટક સહિત 12 રાજ્યોમાં આવેલા છે. તમામ કલેક્ટર્સને સ્થાનિક સ્તરે તૈયારીઓ ઝડપી કરવા સૂચના અપાઈ છે.
જિલ્લા કૃષિ આકસ્મિક યોજના (DACP)
ICAR-CRIDA દ્વારા તમામ જિલ્લાઓ માટે 'ડિસ્ટ્રિક્ટ એગ્રીકલ્ચર કન્ટીન્જન્સી પ્લાન' તૈયાર કરવામાં આવ્યા છે. આ યોજના હેઠળ ઓછા વરસાદની સ્થિતિમાં વૈકલ્પિક પાકની પસંદગી, પાક બદલવાની વ્યૂહરચના અને ઉપલબ્ધ પાણીના કાર્યક્ષમ ઉપયોગ અંગે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે. મંત્રીએ આ યોજનાઓને માત્ર કાગળ પર રાખવાને બદલે તાત્કાલિક જમીન પર લાગુ કરવા પર ભાર મૂક્યો છે.
જળ સંરક્ષણ અને સિંચાઈ વ્યવસ્થાપન
નબળા ચોમાસામાં પાણીના ટીપે-ટીપાનું મહત્વ સમજીને તળાવો, ચેકડેમ અને ખેત-તળાવોને તાત્કાલિક દુરસ્ત કરવા નિર્દેશ અપાયા છે. મનરેગા અંતર્ગત જળ સંચયના કાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે. સંવેદનશીલ જિલ્લાઓમાં પીવાના પાણીને સર્વોચ્ચ અગ્રતા આપવામાં આવશે અને જરૂર પડ્યે વધુ પાણીવાળા વિસ્તારોમાંથી તંગીવાળા વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવશે.
પાક વ્યૂહરચના અને ઇનપુટ્સની વ્યવસ્થા
ખેડૂતોને ટૂંકા ગાળાના, ઓછા પાણીમાં થતા અને વિવિધતા સભર પાકો (જેમ કે કઠોળ, જાડું અનાજ/શ્રી અન્ન અને તેલીબિયાં) અપનાવવા અપીલ કરાઈ છે. વૈજ્ઞાનિકોની સલાહ છે કે જમીનમાં પૂરતો ભેજ (75 થી 100 મીમી વરસાદ) થયા પછી જ વાવણી કરવી. સંભવિત પુનઃવાવણી માટે કેન્દ્ર સરકારે 1% વધારાનો બફર બીજ સ્ટોક અનામત રાખ્યો છે. યુરિયા અને DAP સહિત તમામ ખાતરોનો જથ્થો પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે.
ખેડૂતો માટે ડિજિટલ માર્ગદર્શન અને નાણાકીય સુરક્ષા
દેશના 731 કૃષિ વિજ્ઞાન કેન્દ્રો (KVK) અને એગ્રો-મેટ એકમો ખેડૂતોને SMS, વોટ્સએપ, રેડિયો અને ટીવીના માધ્યમથી સતત વૈજ્ઞાનિક સલાહ આપશે. આ ઉપરાંત, વહીવટીતંત્ર પશુઓ માટે ચારાની અછત ન સર્જાય તે માટે એડવાન્સ સપ્લાય ચેઈન પ્લાનિંગ કરી રહ્યું છે. ખેડૂતોની નાણાકીય સુરક્ષા માટે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY), કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) અને પીએમ-કિસાન યોજનાના ઝડપી અમલીકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે.
મોનિટરિંગ સેલ અને ખાદ્ય સુરક્ષા
નબળા ચોમાસાની દેખરેખ માટે દિલ્હીમાં 'અલ નીનો મોનિટરિંગ સેલ' અને 'ક્રોપ વેધર વોચ ગ્રુપ'ની સ્થાપના કરવામાં આવી છે. ખરીફ ૨૦૨૬ માટે ૧૭૬ મિલિયન ટન અનાજ ઉત્પાદનનો લક્ષ્યાંક છે. સરકારી ગોદામોમાં ઘઉં અને ચોખાનો પૂરતો બફર સ્ટોક હોવાથી દેશની ખાદ્ય સુરક્ષા સામે કોઈ જોખમ નથી. મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોને સંદેશ આપ્યો કે ગભરાવાની જરૂર નથી, કેન્દ્ર અને રાજ્યની સંયુક્ત તૈયારીઓથી આપણે આ પડકારને સફળતાપૂર્વક પાર કરીશું.
આ પણ વાંચો-Budh Gochar 2026: 3 રાશિનું બેંક બેલેન્સ વધશે ! બુધ બદલશે ચાલ