રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પ્રવર્તમાન ચોમાસામાં ઓછા વરસાદને કારણે દુષ્કાળ-અછતની સ્થિતિ જાહેર કરવાની માગ ઉઠવી શરૂ થઈ ચૂકી છે.રાજ્ય સરકાર ધારે તો 2016માં કેન્દ્ર સરકારે લાગુ કરેલા નવા દુષ્કાળ મેન્યુઅલ મુજબ નિયત નિયમો અનુસરીને ગમે ત્યારે દુષ્કાળ કે અછતની સ્થિતિ જાહેર કરી શકે છે.અગાઉ દુષ્કાળ કે અછતની સ્થિતિ નક્કી કરવા માટે આનાવારીથી ઉપજનું મૂલ્યાંકન કરવાની પદ્ધતિ લાગુ થતી હતી.એ વખતે 30 સપ્ટેમ્બરે વિધિવત્ ચોમાસું પૂરું થવાની રાહ જોવી પડતી હતી અને એ પછી ઉપજનું મૂલ્યાંકન એક મહિનામાં પૂરું કરી 31મી ઓક્ટોબર પહેલાં દુષ્કાળ કે અછત જાહેર કરવાનો નિયમ હતો.

ગુજરાતમાં અત્યાર સુધીમાં વરસાદની સ્થિતિ

ગુજરાતમાં મોસમનો કુલ સરેરાશ 686.83 mm વરસાદ થયો છે. જે રાજ્યના મોસમના સરેરાશ વરસાદ સામે 75.57% જેટલો થાય છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 104.20% સાથે સરેરાશથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે. જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં 75.08% વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 56.23% અને સૌરાષ્ટ્રમાં 56.07% વરસાદ થયો છે. સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ અને ભાવનગર જેવા જિલ્લાઓમાં પરિસ્થિતિ સારી છે, પરંતુ દેવભૂમિ દ્વારકા (6.41%), પોરબંદર (18.12%) અને જામનગર (28.88%) જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ ઘણો ઓછો રહ્યો છે. સમગ્ર રાજ્યમાં સૌથી ઓછો 29.49% વરસાદ કચ્છ ઝોનમાં નોંધાયો છે. તાલુકાવાર વિતરણ મુજબ રાજ્યના 37 તાલુકાઓમાં 1000 mm થી વધુ, 92 તાલુકાઓમાં 501 થી 1000 mm, 115 તાલુકાઓમાં 251 થી 500 mm, 14 તાલુકાઓમાં 126 થી 250 mm, 7 તાલુકાઓમાં 51 થી 125 mm અને 3 તાલુકાઓમાં 0 થી 50 mm સુધીનો વરસાદ નોંધાયો છે.  

વરસાદના આંકડા

દુષ્કાળ જાહેર કરવાના નિયમો શું છે?

ટ્રીગર-વન મુજબ સતત 4 અઠવાડિયા કે તેથી વધુ સમય વરસાદ ના પડે તો તે વિસ્તારમાં દુષ્કાળ-અછત જાહેર થઈ શકે.ટ્રીગર-વન એક્ટિવેટ થયા પછી ટ્રીગર-ટૂ મુજબ જે ઓછા વરસાદવાળો વિસ્તાર હોય ત્યાં વાવેતર વિસ્તારમાં માટીમાંના ભેજનું તથા ચોડના ગ્રોથનું એસેસમેન્ટ થાય.ટ્રીગર-ટૂ હેઠળની કામગીરી પૂર્ણ થાય એ પછી ટ્રીગર-થ્રી અંતર્ગત ફિલ્ડમાં જઈને ખરાઈ થાય એટલે કે રેન્ડમલી 10 ટકા વાવણી વિસ્તારમાં સ્થળ મુલાકાત લઈ સેમ્પલો મેળવી ચકાસણી થાય. આ આખરી પ્રોસેસ બાદ જે તે વિસ્તારમાં દુષ્કાળ કે અછતની સ્થિતિ જાહેર થાય. અહીં નોંધવૂં રહ્યું કે 2016ના નવા મેન્યુઅલમાં અછત જેવો કોઈ શબ્દ ઉલ્લેખાયો નથી, માત્ર દુષ્કાળ તરીકે જ ઉલ્લેખ છે.

2018માં સરકારે 51 તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા હતાં. 

વર્ષ 2018માં ઓછો વરસાદ થવાથી દુકાળગ્રસ્ત સ્થિતિ સર્જાઈ હતી. જેને લઈને ગુજરાત સરકારે રાજ્યના 51 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા હતાં. તેમાં કચ્છના તમામ 10, બનાસકાંઠાના 9, પાટણના 8, અમદાવાદના 3, સુરેન્દ્રનગરના 7, મહેસાણાના 4, મોરબીના 3, જામનગરના 2, દેવભૂમિ દ્વારકાના 2, રાજકોટના 2 અને ભાવનગર જિલ્લાના 1 તાલુકાનો સમાવેશ કરાયો હતો. અગાઉ ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ 125 મીમી (5 ઈંચ) કરતાં ઓછો વરસાદ હોય તેવા વિસ્તારને અછતગ્રસ્ત જાહેર કરવા માટેનો માપદંડ હતો. જોકે પાછળથી આ માર્ગદર્શિકા વધુ ઉદાર બનાવવામાં આવી હતી. 

ગુજરાતમાં વરસાદ

2018માં રાજ્ય સરકારે આ પ્રમાણે સહાય જાહેર કરી હતી

ગુજરાત સરકારે 250 મીમી કરતાં ઓછો વરસાદ મેળવનાર તમામ 51 તાલુકાઓને 1 ડિસેમ્બરથી અછતગ્રસ્ત જાહેર કર્યા હતાં. અછતગ્રસ્ત તાલુકાઓમાં અપૂરતા વરસાદને કારણે પાક નિષ્ફળ ગયો હતો તે ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ. 6800ની સહાય, સરકાર દ્વારા મંજૂર કરાયેલા ઢોરવાડા માં બે મહિનાના સમયગાળા માટે મોટા પશુઓ માટે રોજના રૂ. 70 અને નાના પશુઓ માટે રૂ. 35ની સહાય, બાકીના સમયગાળામાં સહાયની રકમ પશુ દીઠ રૂ. 70ના બદલે રૂ. 25 રાજ્ય સરકારે અછતગ્રસ્ત વિસ્તારો માટે 4 કરોડ કિલો ઘાસચારો ખરીદવાનો નિર્ણય કર્યો હતો. 51 તાલુકાઓમાં વ્યક્તિગત પશુપાલકો માટે સરકાર દ્વારા દૈનિક 4 કિલો સુધી રૂ. 2 પ્રતિ કિલોના ભાવે ઘાસચારો આપવાની જાહેરાત કરાઈ હતી. મનરેગામાં 100ની જગ્યાએ 150 દિવસ માનવદિનની રોજગારી જાહેર કરાઈ હતી. 

વનવિભાગ પાસે હાલમાં 402 લાખ કિલો ઘાસચારો ઉપલબ્ધ

રાજ્યમાં વનવિભાગની વાડીઓમાં 402 લાખ કિલોગ્રામ ઘાસચારો ઉપલબ્ધ છે.આ ગત વર્ષનો સ્ટોક છે.વર્તમાન ખરીફ સીઝનમાં 6.29 લાખ હેક્ટરમાં ઊગી રહેલો ઘાસચારો આ જથ્થામાં ઉમેરાશે.ગત બુધવારે યોજાયેલી કૅબિનેટ તથા સીઓએમ બેઠકોમાં આ વિગતો રજૂ થઈ હતી.અધિકારીઓ તરફથી બેઠકોમાં જણાવાયું હતું કે,પશુપાલકોને તથા પાંજરાપોળો-ગૌશાળાઓને રાહતના દરે ઘાસચારાનું વિતરણ વિવિધ જિલ્લાઓમાં જરૂરિયાત મુજબ શરૂ થઈ ગયું છે અને આ અંગે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ પદે 6 સભ્યોની સમિતિ રચી જરૂરી નિર્ણયો લેવાની સત્તા પણ 31મી ઓગસ્ટથી આપી દેવાઈ છે.પશુપાલકોને મહત્તમ પાંચ પશુ માટે પશુદીઠ દૈનિક 4 કિલો સૂકો ઘાસચારો કિલોદીઠ રૂ.2ના રાહત ભાવે અપાઈ રહ્યો છે.જ્યારે ગૌશાળા-પાંજરાપોળોને પશુદીઠ રોજના રૂ.30ના ભાવે ઘાસ અપાઈ રહ્યું છે. વનવિભાગ દ્વારા ઊભા કરાયેલા ઘાસડેપો ઉપરથી કાર્ડ કાઢી આપી ઘાસચારો રાહતદરે અપાઈ રહ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ Ahmedabad News : રિક્ષા ચાલકોની હડતાળને લઈ AMTS અને BRTSના ડ્રાઈવરોને બસ નહીં છોડવા આદેશ