ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ગુજરાત જાહેર સેવા આયોગના ચેરમેન હસમુખ પટેલ સામે વિરોધ કરવામાં આવ્યો હતો. ‘સામાજિક ક્રાંતિ અભિયાન’ના નામે ચાલી રહેલા વિરોધમાં અનામત વર્ગના ઉમેદવારો સાથે અન્યાય થતો હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આંદોલનકારીઓને સમર્થન આપવા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા હતા.

GPSC ચેરમેન સામે રાજીનામાની માંગ

હસમુખ પટેલની કાર્યશૈલી અને ભરતી પ્રક્રિયાને લઈને આંદોલનકારીઓ દ્વારા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને અનામત વર્ગના ઉમેદવારોને અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે ચેરમેનના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. અગાઉ પણ ગાંધીનગરમાં આ મુદ્દે આંદોલન ચાલુ રહ્યું હોવાના અહેવાલો સામે આવ્યા હતા.

શંકરસિંહ વાઘેલા વિરોધ કરી રહેલા લોકોને મળ્યા

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વિરોધ કરી રહેલા લોકોને મળવા સત્યાગ્રહ છાવણી પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, તેઓ આંદોલનકારીઓને સહકાર આપવા માટે આવ્યા છે. વાઘેલાએ અનામતના ઐતિહાસિક સંદર્ભ અને વંચિત સમાજોની સ્થિતિ અંગે વાત કરતાં કહ્યું કે અનામતના કારણે આજે ઘણા લોકો આગળ આવ્યા છે. તેમણે પોતાના સંબોધનમાં દલિત અને વંચિત સમાજે વર્ષોથી ભોગવેલા ભેદભાવનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સરકાર મા-બાપ છે, સૌથી નાના બાળકનું વધુ ધ્યાન રાખે’

શંકરસિંહ વાઘેલાએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે સરકાર મા-બાપ જેવી હોય છે અને સૌથી નાના બાળકનું વધુ ધ્યાન રાખે છે. તેમણે કહ્યું કે વર્ષોથી વાલ્મિકી સમાજ સહિતના વંચિત સમાજોને સામાજિક અસમાનતાનો સામનો કરવો પડ્યો છે. તેમણે અગાઉના સમયમાં પાણી ભરવા જેવી સામાજિક મનાઈથી લઈને આજે પણ કેટલાક સ્થળોએ વરઘોડા અને મૂછ રાખવા જેવા મુદ્દે થતા વિરોધનો ઉલ્લેખ કર્યો હતો.

‘પદ પર બેઠા બાદ કોમવાદ ન હોવો જોઈએ’

GPSCના મુદ્દે વાઘેલાએ કહ્યું હતું કે કોઈ વ્યક્તિ મહત્વના પદ પર બેઠા બાદ તમામ લોકોને સમાન માન આપવાની જવાબદારી તેની રહે છે. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે પદ પર બેઠા બાદ કોમવાદ ન હોવો જોઈએ અને વ્યવહાર કેવી રીતે કરવો તે વ્યક્તિના હાથમાં હોય છે. તેમણે પોતાના ભૂતકાળનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તેમણે પ્રિન્સિપાલ પ્રભુદાસ પટેલને મેરિટના આધારે જવાબદારી સોંપી હતી.

હસમુખ પટેલને રાજીનામું આપવાની સલાહ

વિરોધના મંચ પરથી શંકરસિંહ વાઘેલાએ હસમુખ પટેલને અડકતી રીતે રાજીનામું આપવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે હસમુખ પટેલે સમજીને રાજીનામું આપવું જોઈએ. સાથે જ વાઘેલાએ કહ્યું હતું કે જો પોતાના પર આક્ષેપ થયો હોય તો પણ પદ પર ન રહેવાની નૈતિકતા હોવી જોઈએ.  


આ પણ વાંચો  :   Bengaluru : અભિનેત્રી રાન્યા રાવ સહિત 4 પર 270.8 કરોડનો દંડ, 127 કિલોથી વધુ સોનાની કથિત તસ્કરીનો ખુલાસો