મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કાયદા વિભાગ અને ગુજરાત બાર કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે નોટરી તરીકે પસંદગી પામેલા 1500થી વધુ એડવોકેટને ગાંધીનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. તેમણે રાજ્યમાં ઈ-નોટરી સિસ્ટમ વિકસાવવા માટે નોટરી પોર્ટલને લોન્ચ કર્યું.
શું કહ્યું મુખ્યપ્રધાને?
આ દરમિયાન મુખ્યપ્રધાને સંબોધન કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાન્ય માનવીના હિતને, તેની સરળતાને ઈઝ ઓફ લિવિંગના કેન્દ્રસ્થાને રાખી છે. તેમણે દરેક ભરતી પ્રક્રિયા કે યોજનાઓના લાભ વિતરણમાં પારદર્શિતા સાથે મેક્સિમમ ગવર્નન્સ મિનીમમ ગવર્નમેન્ટનો શાસન મંત્ર અપનાવ્યો છે. ગુજરાતના કાયદા જગતમાં આજે એ જ મંત્રને સાકાર કરતો અવસર છે. તેમણે કહ્યું હતું કે, કોઈપણ રાષ્ટ્ર કે રાજ્યના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કાયદાનું શાસન મહત્ત્વનો પાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાયદાના શાસન માટે સમય અનુરૂપ કાયદાઓ પ્રસ્તુત કરવાનું ભગીરથ કાર્ય કર્યું છે.
વિકાસને ગતિ આપવા માટે નોટરી તરીકેની ભૂમિકા ખૂબ મહત્ત્વની
તેમણે અંગ્રેજોના સમયના બિનજરૂરી કાયદાઓ રદ કરી કાનૂની પ્રક્રિયા સરળ બનાવી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં "જસ્ટિસ ટુ ઓલ, અપીઝમેન્ટ ટુ નન" મંત્ર સાકાર થઈ રહ્યો છે. ત્રિપલ તલાક, કલમ 370ની નાબૂદી અને ભારતીય ન્યાય સંહિતાનો સુચારું અમલ તેમના માર્ગદર્શનમાં પાર પડ્યો છે. કાયદાકીય પ્રક્રિયામાં વિશ્વાસ, સુરક્ષા અને પ્રામાણિકતા સ્થાપિત કરીને વિકાસને ગતિ આપવા માટે નોટરી તરીકેની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે.
ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો નવો યુગ શરૂ કરાવ્યો
કાયદાકીય પ્રણાલી અને અર્થતંત્રમાં વિશ્વાસનું નિર્માણ કરવા માટે દસ્તાવેજોની ઓથેન્ટીસિટીનું દાયિત્વ નોટરીના શિરે છે. નોટરી દ્વારા નોટરાઈઝ કરેલા દસ્તાવેજોને કાયદાકીય માન્યતા મળે છે તેમજ કોર્ટ અને અન્ય જગ્યાઓ પર આ દસ્તાવેજની સ્વીકૃતિ સરળ બનાવવાથી લોકોનું ઈઝ ઓફ ડુઈંગ પણ વધે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સામાન્ય માનવીને મળતી સેવા સુવિધાઓમાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશનનો નવો યુગ શરૂ કરાવ્યો છે. સરકારી સેવાઓ છેવાડાના નાગરિક સુધી મોબાઈલની એક ક્લિકથી લોકો સુધી પહોંચે તેવું લક્ષ્ય તેમણે રાખ્યું છે. ડિજિટલ ભારત અંતર્ગત ડિજિટલ માધ્યમોથી સરકારી સેવાઓની પારદર્શક પહોંચને સુનિશ્ચિત કરી છે. તેમના દિશાદર્શનમાં કાનૂની વ્યવસ્થાઓને આધુનિક બનાવવા માટે ડિજિટલાઈઝેશન પર ભાર મૂકવામાં આવ્યો છે.