ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી દરમિયાન ભાટ ગામ સ્થિત સર્વોદય સ્કૂલ પાસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી નજરે પડી હતી. મતદાન મથક તરીકે કાર્યરત આ સ્કૂલની બહાર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો તેમજ સમર્થકો વચ્ચે ઉગ્ર માથાકૂટ અને હોબાળો સર્જાયો હતો. બોગસ મતદાન કરાવવામાં આવી રહ્યું હોવાના આક્ષેપોથી શરૂ થયેલો આ વિવાદ જોતજોતામાં ગંભીર બન્યો હતો અને બંને પક્ષો વચ્ચે ભારે વિવાદ ઊભો થયો હતો.
ભાજપ ઉમેદવાર પર હુમલાનો આક્ષેપ
કોંગ્રેસ પક્ષ દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે કે બોગસ મતદાનનો વિરોધ કરવા જતાં ભાજપના ઉમેદવાર અને તેમના સમર્થકોએ કોંગ્રેસના ઉમેદવાર સાથે ઉગ્ર બોલાચાલી કરીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બૂથ બહાર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. વિવાદ વધુ વણસે તે પહેલાં જ સ્થાનિક પોલીસે મધ્યસ્થી કરી હતી. સ્થાનિક વર્તુળો અને કોંગ્રેસના કાર્યકરોનો દાવો છે કે પોલીસે પરિસ્થિતિ શાંત પાડવા માટે કોંગ્રેસના ઉમેદવારને પોતાની સાથે ગાડીમાં બેસાડીને લઈ ગઈ હતી.
