પાટનગર ગાંધીનગરના પોશ ગણાતા કુડાસણ વિસ્તારમાં બનેલી ચકચારી મારામારીની ઘટનામાં પોલીસે કાયદેસરનો સિકંજો મજબૂત કર્યો છે. આ હિંસક મામલામાં સંડોવાયેલા તમામ 11 આરોપીઓની ધરપકડ કર્યા બાદ પોલીસ દ્વારા તેમને સેશન્સ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા 7 દિવસના રિમાન્ડની માંગણી
કુડાસણ ખાતે થયેલી આ હિંસક અથડામણની ગંભીરતાને ધ્યાનમાં લઈને તપાસ અધિકારીઓ દ્વારા કોર્ટમાં મજબૂત દલીલો રજૂ કરવામાં આવી હતી. ગુનાના મૂળ સુધી પહોંચવા, હુમલા પાછળનો મુખ્ય હેતુ જાણવા અને અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે નહીં તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવા માટે પોલીસ દ્વારા આરોપીઓના 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે ઘટનાની કડીઓ જોડવા માટે આરોપીઓની કસ્ટડી અનિવાર્ય છે.













