ગાંધીનગર ખાતે આજે વિધાનસભાના સત્રના બીજા દિવસની કાર્યવાહીનો પ્રારંભ બપોરે 12 વાગ્યે થશે.આજના દિવસ દરમિયાન અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ અને કાયદાકીય વિધેયકો પર વિસ્તૃત ચર્ચાઓ તેમજ રજૂઆતો કરવામાં આવશે.ગૃહની શરૂઆત સાથે જ વિવિધ સરકારી વિભાગોની કામગીરી અને પ્રશ્નોના નિવારણ માટેનો તબક્કો શરૂ થશે.આજના દિવસની સંસદીય કાર્યપદ્ધતિ મુજબ સત્રના પ્રારંભે પ્રથમ એક કલાક દરમિયાન પ્રશ્નોત્તરી કાળ યોજાશે.આ કલાક દરિમયાન રાજ્યના અલગ-અલગ વિભાગો સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ પ્રશ્નો અને તેના ઉત્તરો રજૂ કરવામાં આવશે.
પ્રશ્નોત્તરીકાળમાં આ વિભાગો પર ફોકસ
આ પ્રશ્નોત્તરીમાં ખાસ કરીને ગૃહ વિભાગ, પોલીસ હાઉસિંગ અને જેલ વિભાગને લગતા પ્રશ્નો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.આ ઉપરાંત,રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ નાગરિક સુરક્ષા સાથે જોડાયેલા નશાબંધી વિભાગ, વાહનવ્યવહાર વિભાગ અને કાયદો વિભાગના પ્રશ્નો પણ ચર્ચાના કેન્દ્રમાં રહેશે. આ તમામ વિભાગો ઉપરાંત જનકલ્યાણ અને વિકાસ સાથે સીધો સંબંધ ધરાવતા આદિજાતિ વિકાસ વિભાગ તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની બાબતો પર પણ સવાલો પૂછવામાં આવશે અને સંબંધિત મંત્રીઓ દ્વારા તેના જવાબો આપવામાં આવશે.
