રાજ્યમાં ત્રણ મોટા યાત્રાધામો સોમનાથ,અંબાજી અને દ્વારકા ખાતેના સરકારી સરકિટ હાઉસીસ સરકારે ખાનગી હાથોમાં સોંપી દીધાં છે અને આ સરકિટ હાઉસીસ ખાનગી કંપનીઓને સોંપવાથી રાજ્ય સરકારને કુલ 143.28 લાખનું વાર્ષિક ભાડું મળી રહ્યું છે.આ જાણકારી બુધવારે વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન પૂછાયેલા એક પ્રશ્નના લિખિત ઉત્તરમાં બહાર આવી છે.

માત્ર પ્રાયોગિક રીતે જ કોન્ટ્રાક્ટથી અપાયા 

સૂત્રો એવું કહે છે કે,આ ત્રણેય સરકિટ હાઉસીસ ખાનગી કંપનીઓ-એકમોને ભાડે ચલાવવા આપતી વખતે સરકારે ખાનગી પાર્ટી સાથે એગ્રીમેન્ટ કરેલું છે જે મુજબ ભાડે લેનાર પાર્ટીઓ 75 ટકા રૂમોમાં જ પોતાની રીતે ભાડું વસૂલવાનું હોય છે. બાકી 25 ટકા રૂમો સરકારી નિયત ભાડેથી આપવામાં આવે છે. જે ત્રણ સરકિટ હાઉસ ખાનગી પાર્ટીને સોંપાયા છે તે માત્ર પ્રાયોગિક રીતે જ કોન્ટ્રાક્ટથી અપાયા છે.તા.31-7-26ની સ્થિતિએ છેલ્લા બે વર્ષ દરમિયાન આ ત્રણે સરકિટ હાઉસ ખાનગી પાર્ટીઓને ચલાવવા અપાયા છે.

વિકાસ કાર્યોમાં થાય તે હેતુથી ભાડેપટ્ટે આપવાનો નિર્ણય

સરકારે વિધાનસભામાં અપાયેલા લિખિત જવાબમાં એમ પણ કહ્યું છે કે,રાજ્યના અગત્યના સ્થળોએ આવેલા સરકિટ હાઉસના સંચાલનમાં સતત સુધારણા કરી ખાનગી ક્ષેત્રની કુશળતા,અનુભવ તથા નિષ્ણાતોના સહયોગથી મુલાકાતીઓને ગુણવત્તાયુક્ત આતિથ્ય સેવાઓ મળી રહે અને સરકારી મૂડીનો ઉપયોગ અન્ય પ્રાથમિકતા ધરાવતા વિકાસ કાર્યોમાં થાય તે હેતુથી ભાડેપટ્ટે આપવાનો નિર્ણય થયેલો છે.

પહેલાં સરકારે 25 ટકા રૂમ પોતાની પાસે રાખેલાં 

ઉક્ત ત્રણે સરકિટ હાઉસ એક જ ખાનગી કંપની નિલાયા ગ્રૂપની મેકવે મેનેજમેન્ટને સોંપાયા છે.જેના ભાગીદારો વિજય ચૌધરી અને વિપુલ ચૌધરી છે.ગાંધીનગરનું પથિકાશ્રમ આ જ પાર્ટીને સોંપાયું છે.ત્યાં પહેલાં સરકારે 25 ટકા રૂમ પોતાની પાસે રાખેલાં તે બધા રૂમ પણ હવે આ પાર્ટીને સંચાલન માટે સોંપી દેવાયા છે.કહેવાય છે કે, પાલનપુરમાં જે બ્રિજ પડી ગયેલો તે ઘટના આ ગ્રૂપ બ્લેકલિસ્ટ થયેલું છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: જે બાંધકામ સાઈટ પર મચ્છર મળે તેને 7 દિવસ સીલ કરોઃ AMC કમિશ્નરનો આદેશ