મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નવી રચાયેલી નવ મહાનગરપાલિકાઓને મજબૂત બનાવીને નાગરિકોને ઝડપી અને ગુણવત્તાસભર પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા એક મહત્વપૂર્ણ ઐતિહાસિક નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યની નગરપાલિકાઓને આવા લાભ આપવાના અગાઉ કરેલા નિર્ણયમાં હવે આ નવી 9 મહાનગરપાલિકાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
વહીવટી સુવિધા માટે જમીન ફાળવણી
આ નિર્ણય અનુસાર રાજ્યની વાપી, મહેસાણા, પોરબંદર, મોરબી, ગાંધીધામ, નડિયાદ, આણંદ, નવસારી અને સુરેન્દ્રનગર એમ નવી રચાયેલી કુલ 9 મહાનગરપાલિકાઓને આગામી પાંચ વર્ષ સુધી જાહેર હિતની વિવિધ 11 જેટલી આવશ્યક નાગરિક સુવિધાઓ ઊભી કરવા માટે જરૂરી સરકારી જમીન વિનામૂલ્યે ફાળવવામાં આવશે.આ મહાનગરપાલિકાઓ અગાઉની “અ”વર્ગની નગરપાલિકાઓમાંથી નવી મહાનગરપાલિકા બનેલી છે અને તેનો હાલ ટ્રાન્ઝિશન ફેઈઝ ચાલે છે. નવી મહાનગરપાલિકાઓની હદમાં પણ મોટો વિસ્તાર ઉમેરાયો છે.નવી મહાનગરપાલિકાઓમાં સર્વાંગી વિકાસ કામો ઝડપથી થઈ શકે તે હેતુસર જિલ્લા કક્ષાએ જમીન ફાળવણીની પ્રક્રિયા વધુ સરળ બનાવવાનો અભિગમ અપનાવ્યો છે.
