સુરત શહેરમાં ખાડી પૂરના કારણે સર્જાયેલી વિનાશક સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ અસરગ્રસ્તોને 500 કરોડની કેશડોલ્સ આપવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ખુદ શહેરના વિવિધ વિસ્તારોમાં જઈને મુલાકાત લીધી હતી. ત્યારે શહેરમાં ખાડી પૂરને કારણે વેપારીઓ અને ઉદ્યોગને નુકસાન થયું છે તેને લઈને રોષ વધી રહ્યો છે. શહેરમાં ચાર દિવસમાં ભારે વરસાદને કારણે થયેલા મૃત્યુનો આંક 41 પર પહોંચી ગયો છે. આફતનો વરસાદ સુરતના ડાયમંડ અને ટેકસટાઇલ ઉદ્યોગ માટે પણ આફત બની ગયો છે. 

સુરતમા ભારે વરસાદ

ડાયમંડ ઉદ્યોગ અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે આફત

સુરતમાં છેલ્લા ચાર દિવસમાં વરસેલો આફતનો વરસાદ ડાયમંડ ઉદ્યોગ અને ટેક્સટાઈલ ઉદ્યોગ માટે આફતનો વરસાદ બન્યો છે. સુરતના વરાછામાં મીની બજાર ડાયમંડના દલાલોનું બજાર કહેવામાં આવે છે. ત્યાં નાની મોટી ડાયમંડની ફેક્ટરીઓ છે. આ વિસ્તારમાં વરસાદને કારણે પાંચથી છ ફૂટ પાણી ભરાઈ ગયાં હતાં. જેના કારણે ડાયમંડને કટ પોલીસ કરવાનો સામાન બગડી ગયો છે. રાછાથી લઈ સીમાડાનાકા સુધીના વિસ્તારોમાં ખાસ રત્ન કલાકારો રહે છે. તેઓના મકાનોમાં પણ ખાડીપૂરના પાણી ઘૂસ્યા હતા. જેથી ચાર દિવસ ડાયમંડ ફેક્ટરીઓ બંધ રહી હતી. વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાવાથી ડાયમંડ ઉદ્યોગમાં બે હજારથી ત્રણ હજાર કરોડનો કારોબાર અટકી પડ્યો હતો. 

ખાડી પૂરથી વેપારીઓને નુકસાન

શહેરમાં પડેલો 20 ઈંચ વરસાદ પણ સૌથી મોટું કારણ

બીજી તરફ આ આફતનો વરસાદ શહેરમાં ટેક્સટાઈલ ઉદ્યોગ માટે પણ આફત બન્યો છે. શહેરમાં ટેક્સટાઈલની કૂલ 240 બજારો આવેલી છે. 17 હજારથી વધુ દુકાનોમાં વેપાર થાય છે. ગ્રાઉન્ડ ફ્લોર પરની એક હજાર દુકાનોની હાલત ખસ્તા છે. તમામ દુકાનોમાં પાણી ભરાઈ જવાથી મોટા પાયે નુકસાન થયું છે. આશરે 200થી 500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ દુકાનોમાં માત્ર ફ્લેટ સાડીનું જ નહીં પણ ત્યાં ફર્નિચર, એસી, કોમ્પ્યુટર, બિલબુક , જીએસટી બિલ, હિસાબના ડેટાને પણ નુકસાન થયું છે. આ બધી વસ્તુઓ હવે ફરીવાર ઉપયોગમાં લઈ શકાય એમ નથી. આ ઉપરાંત માર્કેટમાં પાર્કિગની વ્યવસ્થા માટે બેઝમેન્ટ તૈયાર કરાયું છે. જ્યાં પાણી ભરાઈ જવાને કારણે મોંઘી ગાડીઓ પણ ડૂબી ગઈ હતી. શહેરમાં 2006માં આવેલા પૂર બાદ આ વર્ષે મોટી નુકસાની થઈ છે. લોકોનું કહેવું છે કે, પાણી આવવા પાછળનું કારણ ડ્રેનેજ અને મેટ્રોની કામગીરીછે. શહેરમાં પડેલો 20 ઈંચ વરસાદ પણ સૌથી મોટું કારણ છે. 

સાડી ઉદ્યોગને ભારે નુકસાન

ગુરુવારે ડૂબવાથી 13 લોકોનાં મોત

સુરત શહેરમાં સોમવારથી વરસી રહેલા વરસાદે જનજીવનને ભારે અસર પહોંચાડી છે.સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં દુર્ઘટનાઓની શ્રેણી સર્જાઈ છે.ગઈકાલ સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી કુલ 13 લોકોના ડૂબવાથી મોત નોંધાયા છે.જ્યારે છેલ્લા ત્રણ દિવસમાં વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં મૃત્યુઆંક વધીને 41 પર પહોંચી ગયો છે. જેમાં સોમવારે ત્રણના કરંટથી, મંગળવારે કરંટ, ડૂબવા સહિતની ઘટનામાં 9ના, બુધવારે વિવિધ ઘટનામાં 15ના અને ગુરુવારે ડૂબવાથી 13 લોકોનાં મોતનો સમાવેશ થાય છે.

વેપારીઓને રાતા પાણીએ રડવાનો વારો

DyCM હર્ષ સંઘવી સતત બીજા દિવસે પણ સુરતમા

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે બીજા દિવસે પણ સુરતના વિવિધ વિસ્તારોમાં ફર્યા હતાં. તેમણે ખાડી પૂર ગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે, એક પરિવાર દીઠ 6800 રૂપિયાની સહાય આપવામાં આવી છે. ભટાર વિસ્તારમાં બે હજાર લોકોને સહાય અપાશે. બીજી તરફ કામરેજમાં તાપી કિનારે વસતા પરિવારો પણ મુશ્કેલીમાં મુકાયા છે. નદીના ધસમસતા પાણીથી કાંઠાનું મોટા પાયે ધોવાણ થયું છે. આ ધોવાણ છેક રહેણાંક વિસ્તારના વાડા સુધી પહોંચ્યું છે. 16 ઈંચ વરસાદથી જમીનનો મોટો ભાગ નદીમાં ગરકાવ થઈ ગયો છે. અનેક જગ્યાએ જમીનમાં મોટી તિરાડો પડી છે. અંદાજે 200 જેટલા પરિવારો પર સંકટ તોળાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ Surat News: ભારે વરસાદે સુરતની સૂરત બગાડી, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ, ત્રણ દિવસમાં 26 લોકોના મોત