રાજ્યના ખેડૂતો માટે સૌથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. સરકારે આજે વિધાનસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે સરકાર ગાંધીનગર ખાતે ડેટા સેન્ટર બનાવશે જેમાં ખેડૂતોને લગતા તમામ દસ્તાવેજ એક સાથે મળી રહેશે.
સરકાર ગાંધીનગર ખાતે ડેટા સેન્ટર બનાવશે
ગુજરાત વિધાનસભામાં આજે માણસાના ધારાસભ્ય જી.એસ.પટેલે પુછેલા પ્રશ્નના જવાબમાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ જવાબ આપતા કહ્યું હતું કે સરકાર ગાંધીનગર ખાતે ડેટા સેન્ટર બનાવશે, જેમાં 7/12ના ઉતારાથી લઈ તમામ દસ્તાવેજ મળી રહેશે.
એક જ ક્લિક પરથી ઓનલાઈન તમામ દસ્તાવેજ મળશે.
સરકારના જણાવ્યા મુજબ આ ડેટા સેન્ટરથી એક જ ક્લિક પરથી ઓનલાઈન તમામ દસ્તાવેજ મળશે. અત્યાર સુધી જિલ્લા કક્ષાએ આ દસ્તાવેજ રહેતા હતા પણ હવે ગમે ત્યાંથી ખેડૂત ઓનલાઇન આ દસ્તાવેજ મેળવી શકશે.
2026 સુધી ડેટા સેન્ટર કાર્યરત
ગાંધીનગરમાં 2 લાખ ચોરસ મીટરથી વધુ જમીનમાં આ ડેટા સેન્ટર બનશે અને 2026 સુધી ડેટા સેન્ટર કાર્યરત કરવામાં આવશે. સરકારે ડોક્યુમેન્ટ તૈયાર કર્યા છે તે રાજ્યમાં એક જ જગ્યાએ મળી રહેશે.
તમામ દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન
વિધાનસભાના ચોમાસું સત્રના પ્રથમ દિવસે ગાંધીનગર ખાતે નિર્માણ પામનાર રાજ્યકક્ષાના ડેટા સેન્ટર અંગે પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું રાજ્યકક્ષાના આ ડેટા સેન્ટરના નિર્માણ બાદ નાગરિકોને સિંગલ ક્લિકથી પોતાના મહેસૂલી ડોક્યુમેન્ટની નકલ મળી જશે. તેમણે જણાવ્યું કે ૭/૧૨ના ઉતારા, નકશા, માપણી જેવા મહેસૂલ વિભાગ હસ્તકના જમીન દફતર ખાતાના તેમજ મહેસૂલી કચેરીઓ હસ્તકના તમામ દસ્તાવેજોનું ડિજિટાઇઝેશન કરવામાં આવ્યું છે.
કોમ્પેકટરની સુવિધાવાળા વિશાળ રેકર્ડ રૂમ
તેમણે કહ્યું કે ગાંધીનગરના સેકટર-૧૪માં રાજ્ય કક્ષાના ડેટા સ્ટોરેજ સેન્ટરમાં જાળવણી માટે કોમ્પેકટરની સુવિધાવાળા વિશાળ રેકર્ડ રૂમ, કોન્ફરન્સ હોલ/ટ્રેનિંગ રૂમ અને મ્યુઝિયમ સહિતનું કુલ-૭ માળનું ૨,૪૪,૭૨૫ ચોરસ ફૂટનું બાંધકામ કરાશે. આ બાંધકામ ડિસેમ્બર-૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
અંગ્રેજ સરકાર દ્વારા થયેલા માપણી ટિપ્પણનું રેકર્ડ
વિશ્વકર્માએ જણાવ્યું કે વર્ષ-૧૮૮૮ વખતના અંગ્રેજ સરકાર દ્વારા થયેલા માપણી ટિપ્પણનું રેકર્ડ, સદરહુ ડેટા સ્ટોરેજ સેન્ટરમાં રાખવામાં આવશે. મહેસૂલ વિભાગની વિવિધ યોજના થકી જમીન રેકર્ડના કોમ્પ્યુટરાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
એક કોપી ડેટા સ્ટોરેજ સેન્ટર ખાતેથી મળી શકે
માનવસર્જિત અથવા કુદરતી આફતોના કારણોસર જિલ્લાઓના રેકર્ડને નુકશાન પહોંચે કે રેકર્ડ નાશ પામે, તો તેની એક કોપી ડેટા સ્ટોરેજ સેન્ટર ખાતેથી મળી શકે, તે હેતુથી આ અદ્યતન ડેટા સેન્ટર બનાવવામાં આવ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.