દેશભરમાં વાહન માલિકીની તબદીલી અને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ NOC મેળવવાની પ્રક્રિયાને વધુ પારદર્શક, સુરક્ષિત અને સરળ બનાવવાના હેતુથી ભારત સરકાર દ્વારા પરિવહન પોર્ટલ પર એક મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા અંતર્ગત હવે વાહનની માલિકી ફેરફાર અને અન્ય રાજ્યોમાં વાહન તબદીલ કરવાના કિસ્સામાં પરિવહન પોર્ટલ પર આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં આ નિર્ણયનો અમલ તા. 15 જુલાઈ 2026થી કરી દેવામાં આવ્યો છે.
પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી પૂર્ણ થઈ શકશે
વાહન ધરાવતા તમામ નાગરિકોને વાહન રેકોર્ડ અને આધાર કાર્ડના રેકોર્ડમાં કોઈપણ પ્રકારની વિસંગતતા કે સમસ્યા સર્જાય નહીં તેવા હેતુથી આ બે મહત્વપૂર્ણ સેવાઓમાં સુધારો કરાયો છે. આ પ્રક્રિયા અંતર્ગત દરેક અરજદારે પોતાના આધાર કાર્ડની વિગતો પરિવહન પોર્ટલ પર દાખલ કરવાની રહેશે. જો આધાર કાર્ડની વિગતો સંપૂર્ણ મેચ હશે તો જ વાહન માલિકી બદલવાની પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી પૂર્ણ થઈ શકશે. આધાર કાર્ડ અને પરિવહન પોર્ટલની વિગતોમાં કોઈ તફાવત જણાશે તો અરજદારે પોતાના ડ્રાઈવિંગ લાયસન્સની વિગતો દાખલ કર્યા બાદ જ આ પ્રક્રિયા આગળ વધશે.
