વ્યાપારિક લાભ માટે સરકારી નામ, હોદ્દાઓ અને રાષ્ટ્રીય પ્રતીકોનો દુરુપયોગ કરીને સામાન્ય નાગરિકોને ભ્રમિત કરતી ખાનગી સંસ્થાઓ અને બિન-સરકારી સંગઠનો (NGOs) સામે કાર્યવાહી કરવા ગુજરાત સરકારે ઝુંબેશ શરૂ કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના તમામ વિભાગો, કચેરીઓ અને સક્ષમ નોંધણી અધિકારીઓને પ્રતીકો અને નામો અધિનિયમ 1950નું કડક અમલીકરણ સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનોઓ આપવામાં આવી છે. ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા રાજ્યોને પાઠવેલ પરિપત્રના અનુસંધાને આ કાર્યવાહી હાથ ધરી છે.
સરકારી સિક્કાઓની આબેહૂબ નકલ છાપે છે
કેન્દ્ર સરકારે આ પરિપત્રમાં જણાવ્યું હતું કે દેશભરમાં મોટા પ્રમાણમાં ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો અને વ્યાપારી પેઢીઓ એવા નામો રાખી રહી છે જે સીધા સરકારી વિભાગો જેવા લાગતા હોય,ઘણા કિસ્સાઓમાં ખાનગી સંસ્થાઓ પોતાના લેટરહેડ, વિઝિટિંગ કાર્ડ,ઓફિસના બોર્ડ અને વેબસાઈટ પર અશોક સ્તંભ, અશોક ચક્ર કે સરકારી સિક્કાઓની આબેહૂબ નકલ છાપે છે જેનાથી સામાન્ય નાગરિકો છેતરાય છે અને ખાનગી કામોને સરકારી સમજીને નાણાં કે અન્ય દસ્તાવેજો ગુમાવે છે.આ સૂચનાઓ મુજબ હવે કોઈ પણ ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો અને વ્યાપારી પેઢીઓ કેન્દ્ર સરકારની અગાઉથી મેળવેલી લેખિત મંજૂરી વિના પોતાની સંસ્થાના નામમાં બ્યુરો, કમિશન, મંત્રાલય, સેન્ટર, ઓલ ઈન્ડિયા, નેશનલ અને ભારતીય જેવા શબ્દોનો ઉપયોગ કરી શકશે નહીં.
