અમદાવાદ શહેરમાં બનાવટી દસ્તાવેજો બનાવીને કાયદાની આંખમાં ધૂળ નાખવાના વધુ એક ગંભીર કેસમાં ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મની લોન્ડરિંગના ગંભીર ગુનામાં સંડોવાયેલા હરિકેશ પ્રણવ પટેલ નામના આરોપીએ પોતાનો અસલી પાસપોર્ટ જમા હોવા છતાં બનાવટી પાસપોર્ટ તૈયાર કરાવ્યો હતો અને તેના આધારે વિદેશ પ્રવાસ ખેડ્યો હોવાનું બહાર આવ્યું છે. આ મામલે ગુજરાત એટીએસે સઘન તપાસ હાથ ધરી આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખનો પુત્ર હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
દુબઈના એક મિત્ર મારફતે નવો બનાવટી પાસપોર્ટ બનાવ્યો
ગુજરાત એટીએસના એસપી કે. સિદ્ધાર્થે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મહિલા કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પુત્ર અને મની લોન્ડરિંગના આરોપી હરિકેશ પટેલની ગુજરાત એટીએસ દ્વારા નકલી પાસપોર્ટ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2022-23માં ઈડી (ED) સમક્ષ પોતાનો અસલી પાસપોર્ટ જમા કરાવવા છતાં, આરોપીએ ખોટા સરનામાના આધારે અને 25 લાખ રૂપિયાનો ખર્ચ કરીને દિલ્હીથી દુબઈના એક મિત્ર મારફતે નવો બનાવટી પાસપોર્ટ તૈયાર કરાવ્યો હતો. આ નકલી પાસપોર્ટના સહારે આરોપીએ દુબઈ, ભૂતાન, નેપાળ ઉપરાંત બેંગકોક, સિંગાપોર અને મલેશિયા સહિત કુલ 6 જેટલા દેશોની આંતરરાષ્ટ્રીય મુસાફરીઓ પણ કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ ઉપરાંત, એટીએસની તપાસમાં અમદાવાદમાં તેની અનેક બોગસ કંપનીઓ હોવાનું અને તેમાંથી કેટલીક કંપનીઓ સંપૂર્ણપણે ફરજી હોવાનું પણ મોટું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે.
