ભારતમાં ટેક્સી સેવાઓ અને ઓનલાઈન કેબ બુકિંગ એપ્લિકેશન્સ ક્ષેત્રે અત્યાર સુધી અમુક મોટી બહુરાષ્ટ્રીય અને ખાનગી કંપનીઓનો એકહથ્થુ ઈજારો હતો, જેમાં ડ્રાઇવરોનું આર્થિક શોષણ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠતી રહેતી હતી. આ મોનોપોલીને કાયમી ધોરણે તોડવા માટે દેશમાં પ્રથમ વખત સહકારિતા મોડલ પર આધારિત 'ભારત ટેક્સી' સેવાનો ગુજરાતથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં આયોજિત એક ભવ્ય કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહે આ સેવાનું ડિજિટલ લોન્ચિંગ કર્યું હતું.
અમૂલ અને ઇફકોનું ઉદાહરણ આપી મોડલ સમજાવ્યું
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે પોતાના પ્રેરણાદાયી સંબોધનમાં જણાવ્યું હતું કે, "અમે ગાડી કે રિક્ષા ચલાવતા ડ્રાઇવરોને સામાન્ય મજૂર નહીં પરંતુ દેશના 'સારથી' માનીએ છીએ. અત્યાર સુધી કાર્યરત કેટલીક ખાનગી કંપનીઓ ડ્રાઇવરોની વ્યાજબી રજૂઆતો સાંભળતી નહોતી, તેમના નફામાંથી મોટો હિસ્સો કમિશન તરીકે કાપી લેતી હતી અને મહેનતાણું પણ મોડું આપતી હતી. હવે સહકારિતા મોડલ પર ભારત ટેક્સી આવતા આ શોષણ કાયમ માટે બંધ થઈ જશે." તેમણે અમૂલ ડેરીનું ઉદાહરણ આપતા ઉમેર્યું કે, આજે અમૂલના કારણે પશુપાલકોને 100 રૂપિયાના ભાવે દૂધ ભરાવવાની તક મળે છે અને દેશની બહેનો ૧.૨૫ લાખ કરોડનું ટર્નઓવર કરી રહી છે. તેમજ ઇફકો અને કૃભકો જેવી સહકારી સંસ્થાઓ દેશની 35 ટકા જરૂરિયાતો પૂરી કરે છે. તેવી જ ક્રાંતિ હવે ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં પણ જોવા મળશે.










