રાજકોટ શહેરના પૂર્વ અને મધ્ય ભાગને જોડતા વ્યસ્ત એવા ભક્તિનગર અને કોઠારિયા પંથકમાં રહેતા હજારો નાગરિકો માટે સરકાર તરફથી ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે. આ વિસ્તારમાં આવેલી 30જેટલી રહેણાંક સોસાયટીઓમાં અશાંતધારો ની મુદત પૂરી થઈ રહી હોવાથી સ્થાનિકોમાં ચિંતા હતી, પરંતુ હવે સરકારે આ મુદતને આગામી પાંચ વર્ષ માટે સત્તાવાર રીતે લંબાવી દીધી છે.
સ્થાનિકોની માગ અને ધારાસભ્યની સક્રિયતા
છેલ્લા કેટલાક સમયથી ભક્તિનગર વિસ્તારની આસપાસ વસ્તીનું સંતુલન બગડી રહ્યું હોવાની અને ચોક્કસ અસામાજિક તત્વો દ્વારા ડર બતાવીને કે ઊંચી કિંમતો આપીને હિન્દુઓ સેફ ગણાતી સોસાયટીઓમાં મકાનો ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની ફરિયાદો ઉઠી હતી. જો આ પ્રક્રિયા રોકવામાં ન આવે તો ભવિષ્યમાં વિસ્તારની ડેમોગ્રાફી (વસ્તીનું માળખું) બદલાઈ જવાનો ભય હતો. આ ગંભીર બાબતને ધ્યાને રાખીને સ્થાનિક અગ્રણીઓએ ધારાસભ્ય ઉદય કાનગડ સમક્ષ રજૂઆત કરી હતી. ધારાસભ્યએ જનતાની લાગણીને સમજીને ગાંધીનગર ગૃહ વિભાગ અને મુખ્યમંત્રી સમક્ષ આ બાબતે મજબૂત રજૂઆત કરી મંજૂરી મેળવી લીધી છે.










