ગુજરાતમાં નશાકારક અને પ્રતિબંધિત દવાઓના ગેરકાયદે વેચાણ સામે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા કડક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રાજ્યભરમાં નશાકારક દવાઓના વેચાણ પર અંકુશ મેળવવાના હેતુથી ANTF દ્વારા ફાર્મસી અને મેડિકલ સ્ટોર્સ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી રહી છે. માત્ર 1 જ સપ્તાહના ગાળામાં ટાસ્ક ફોર્સ દ્વારા રાજ્યભરના 213 જેટલા મેડિકલ સ્ટોર્સ અને ફાર્મસી સેન્ટરો પર ત્રાટકીને વિગતવાર ચકાસણી કરવામાં આવી છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી હાથ ધરાઈ તપાસ

આ સમગ્ર કામગીરી દરમિયાન ANTF દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને પણ સાથે રાખવામાં આવ્યા હતા. તપાસ ટીમ દ્વારા મેડિકલ સ્ટોર્સ પર દવાઓના નિયમ મુજબના વેચાણ, રજિસ્ટર મેઇન્ટેનન્સ, પ્રિસ્ક્રિપ્શન વગર અપાતી દવાઓ અને વિતરણ સંબંધિત તમામ બાબતોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. દવાનો સ્ટોક અને ચોપડે દર્શાવેલા આંકડા વચ્ચે કોઈ ગડબડ છે કે કેમ તે અંગે પણ સઘન તપાસ કરવામાં આવી હતી.

નિયમ ભંગ કરનાર 25 દુકાનોને ફટકારાઈ શો-કોઝ નોટિસ

તપાસ દરમિયાન સરકારી નિયમોનું પાલન ન કરનારા અને દવાના વિતરણમાં ગંભીર બેદરકારી દાખવનારા મેડિકલ સ્ટોર્સ સામે તુરંત કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યભરમાંથી કુલ 25 જેટલી દુકાનોને નિયમ ભંગ બદલ કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.

ઝોન વાઇઝ કાર્યવાહીના આંકડા

તપાસ દરમિયાન વિવિધ ઝોનમાં મળેલી ખામીઓના આધારે નોટિસ પાઠવવામાં આવી છે.

  • ગાંધીનગર ઝોન: 4 મેડિકલ સ્ટોર્સને નોટિસ
  • સુરત ઝોન: 10 મેડિકલ સ્ટોર્સને નોટિસ
  • અમદાવાદ ઝોન: 11 મેડિકલ સ્ટોર્સને નોટિસ
  • કુલ: 25 મેડિકલ સ્ટોર્સને નિયમ ભંગ બદલ નોટિસ

રાજ્યમાં નશાકારક દવાઓનો ગેરકાયદે વેપાર અટકાવવા અને નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે માટે ANTF અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ ઝુંબેશ આગામી દિવસોમાં પણ વધુ સઘન બનાવવામાં આવશે.


આ પણ વાંચો: Gujarat Government: દિવાળી પહેલા સરકારી કર્મચારીઓને મળી શકે છે સારા સમાચાર, 3 ટકા DA વધારવા માટે CMને કરાઈ રજૂઆત