રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત દૂર કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ અને આવકારદાયક નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાઓમાં લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરીને એકસાથે 3738 જેટલી ખાલી જગ્યાઓ ભરવા માટે સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે. શિક્ષણ વિભાગના આ નિર્ણયથી અનુદાનિત શાળાઓમાં શિક્ષણનું સ્તર સુધરશે અને શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવારો માટે પણ રોજગારીના નવા દ્વાર ખુલશે.

મુખ્ય શિક્ષકની 396 જગ્યાઓનું મહેકમ

આ ભરતી પ્રક્રિયા રાષ્ટ્રીય શિક્ષણ અધિકાર અધિનિયમના નિર્ધારિત ધોરણો અને વિદ્યાર્થી-શિક્ષકના ચોક્કસ ગુણોત્તર મુજબ હાથ ધરવામાં આવશે. શિક્ષણ વિભાગના આયોજન અનુસાર, ધોરણ 1થી 5ની શાળાઓ માટે 1101 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. જ્યારે ધોરણ 6થી 8ની શાળાઓ માટે 2637 શિક્ષકોની ભરતી થશે. આ ઉપરાંત શાળાઓના સંચાલન અને વહીવટને સુચારુ બનાવવા માટે મુખ્ય શિક્ષકની 396 જગ્યાઓનું મહેકમ પણ આ જ ધોરણોને આધારે નક્કી કરવામાં આવશે.

જરૂરિયાત મુજબ મહેકમ આખરી કરવામાં આવશે

તમામ જિલ્લાવાર ખાલી જગ્યાઓની સ્થિતિને ધ્યાનમાં રાખીને વર્તમાન જરૂરિયાત મુજબ મહેકમ આખરી કરવામાં આવશે.આ સમગ્ર ભરતી પ્રક્રિયાને પારદર્શક અને ઝડપી બનાવવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી (DEO), જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO), તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી (TPEO) અને શાસનાધિકારીઓને સંબંધિત કાર્યવાહી સમયસર પૂર્ણ કરવાની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News : અતિભારે વરસાદ બાદ NDRFનું મેગા રેસ્ક્યૂ ઓપરેશન, 245 લોકોના જીવ બચાવ્યા