ગુજરાતમાં પશુપાલકોના હિત અને પશુઓના આરોગ્યની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિધાનસભા ગૃહમાં ‘ગુજરાત પશુધન આહાર, મરઘા ચણ અને ખનિજ મિશ્રણ વિધેયક’ રજૂ કરવામાં આવ્યું છે. મંત્રી જીતુ વાઘાણી દ્વારા ગૃહમાં રજૂ કરવામાં આવેલા આ વિધેયકનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના પશુઓને શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને પોષક આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. હવેથી પશુ આહારમાં ભેળસેળ કે મિસ બ્રાન્ડિંગ કરનારા તત્વો સામે કાનૂની શિકંજો કસાશે.
7 સભ્યોની નિષ્ણાત કમિટીની રચના
નવા કાયદાના અમલીકરણ અને ગુણવત્તાના ધોરણો નક્કી કરવા માટે પશુપાલન વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી (ACS) ની અધ્યક્ષતામાં 7 સભ્યોની એક ઉચ્ચ સ્તરીય નિષ્ણાત કમિટીની રચના કરવામાં આવશે. આ ઉપરાંત, પશુ આહારનું વેચાણ કે ઉત્પાદન કરવા માટે પ્રાદેશિક સંયુક્ત પશુપાલન અધિકારી લાયસન્સ આપવા માટે માન્ય સત્તાધિકારી તરીકે ગણાશે.
