આજે ગુજરાત વિધાનસભાના સત્રનો બીજો દિવસ છે. આજે પ્રશ્નોત્તરી કાળ સાથે ગૃહની કામગીરી શરુ થઈ છે. આજના દિવસ દરમિયાન અનેક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ અને કાયદાકીય વિધેયકો પર વિસ્તૃત ચર્ચાઓ તેમજ રજૂઆતો કરવામાં આવશે.ગૃહની શરૂઆત સાથે જ વિવિધ સરકારી વિભાગોની કામગીરી અને પ્રશ્નોના નિવારણ માટેનો તબક્કો શરૂ થશે. આ ઉપરાંત ગઈ કાલે ગૃહમાં થયેલા વંદેમાતરમ ગીતના વિવાદ બાદ આજે કોંગ્રેસના ધારાસભ્ય ગેરહાજર રહ્યાં છે. CCTV લગાવવા મુદ્દે ગોપાલ ઈટાલિયા અને હર્ષ સંઘવી પ્રશ્નોત્તરી કાળમાં આમને સામને આવી ગયા હતા. 

વિધાનસભા ચોમાસુ સત્રનો 11 સપ્ટેમ્બરે અંતિમ દિવસ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ અને ભાડા વિધેયક સહિત 3 બિલ રજૂ થશે, નિયમ 116 હેઠળ દુષ્કાળ મુદ્દે ચર્ચા

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના ત્રીજા અને અંતિમ દિવસે આવતીકાલે સવારે 10 વાગ્યે ગૃહની કાર્યવાહી શરૂ થશે. પ્રથમ કલાક પ્રશ્નોત્તરી કાળ રહેશે, જેમાં નાણાં, શહેરી વિકાસ, કૃષિ, પશુપાલન, શ્રમ અને રોજગાર, સામાજિક ન્યાય તથા પુરવઠા વિભાગ સંબંધિત પ્રશ્નો હાથ ધરાશે.

  • સત્રના અંતિમ દિવસે મહત્વના 3 સરકારી વિધેયકો ગૃહમાં રજૂ કરવામાં આવશે
  • ગુજરાત ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વિધેયક
  • ગુજરાત ભાડા વિધેયક
  • ગુજરાત ખેતીની જમીન ટુકડા પડતા અટકાવવા અને એકત્રીકરણ કરવા સુધારા વિધેયક

આ ઉપરાંત, કોંગ્રેસ ધારાસભ્ય તુષાર ચૌધરી નિયમ 116 હેઠળ રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ અંગેનો મુદ્દો ઉઠાવશે, જેના પર રાજ્ય સરકાર પોતાની કામગીરીનો જવાબ આપશે. ગૃહમાં વિવિધ બોર્ડ-નિગમોના વાર્ષિક અહેવાલો રજૂ કરવા સાથે જ અંતિમ દિવસના પ્રસ્તાવ અંતર્ગત ધારાસભ્ય મોહનભાઈ ઢોળીયા આદિવાસી વિકાસના કામો પર પ્રસ્તાવ લાવશે.

ગાંધીનગરના કુડાસણની ઘટના અંગે વિધાનસભામાં ગૃહને માહિતી અપાઈ

ગાંધીનગરના કુડાસણ વિસ્તારમાં બનેલી ઘટના સંદર્ભે વિધાનસભા ગૃહમાં વિગતવાર નોંધ લેવામાં આવી છે. ધારાસભ્ય જે.એસ. પટેલે ગૃહને માહિતી આપતા જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ પ્રશાસનની તમામ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને નાયબ મુખ્યમંત્રી પોતે રાત્રે ઘટનાસ્થળે ઉપસ્થિત રહી સમગ્ર રાહત અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તંત્રની સમયસૂચકતા અને સક્રિયતાના કારણે તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હોવાની સત્તાવાર માહિતી ગૃહમાં રજૂ કરવામાં આવી છે

ગુજરાત GST સુધારા વિધેયક સર્વાનુમતે પસાર, નાના વેપારીઓને 3 દિવસમાં રજિસ્ટ્રેશન અને નિકાસ પર 7 દિવસમાં 90% રિફંડ મળશે

નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલું 'ગુજરાત GST સુધારા વિધેયક' સર્વાનુમતે પસાર થઈ ગયું છે. 56મી GST કાઉન્સિલની ભલામણોના આધારે કરાયેલા આ મહત્વપૂર્ણ સુધારાથી રાજ્યમાં 'ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ'ને વધુ વેગ મળશે. નવા કાયદા હેઠળ નાના વેપારીઓને ફેસલેસ સિસ્ટમ દ્વારા માત્ર 3 દિવસમાં GST નોંધણી અને પ્રમાણપત્ર મળી શકશે, જ્યારે નિકાસકારોને 7 દિવસમાં 90% પ્રોવિઝનલ રિફંડ આપવાની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત, વેચાણ બાદના ડિસ્કાઉન્ટ અને ક્રેડિટ નોટની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે તેમજ નિકાસ કરાયેલા માલના રિફંડ માટેની ₹1,000ની લઘુત્તમ મર્યાદા પણ નાબૂદ કરવામાં આવી છે.

પશુધન આહાર વિધેયક સર્વાનુમતે પસાર થતાં જીતુ વાઘાણીની પ્રતિક્રિયા, કહ્યું- આ કાયદો પશુપાલકો માટે રક્ષણની ઢાલ સાબિત થશે

ગુજરાત વિધાનસભામાં 'ગુજરાત પશુધન આહાર, મરઘા ચણ અને ખનિજ મિશ્રણ વિધેયક' સર્વાનુમતે પસાર થતાં કૃષિ અને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ ખુશી વ્યક્ત કરતાં તેને ઐતિહાસિક ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આ મહત્વપૂર્ણ કાયદો પ્રામાણિક ઉત્પાદકો અને પશુપાલકો માટે રક્ષણની ઢાલ સાબિત થશે, જેમાં ભેળસેળયુક્ત પશુ આહાર બનાવતા તત્વો સામે કડક સજા અને દંડની જોગવાઈઓ કરાઈ છે. આ સાથે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સંશોધન કે પોતાના વપરાશ માટે ઘરે પશુ આહાર બનાવતા પશુપાલકોને આ કાયદાના દાયરામાંથી મુક્તિ આપવામાં આવી છે.

ગુજરાત પશુધન આહાર વિધેયક સર્વાનુમતે પસાર, ઈતિહાસમાં પ્રથમવાર અધ્યક્ષ શંકર ચૌધરીએ બીલ પર ચર્ચામાં ભાગ લીધો

ગુજરાત વિધાનસભા ગૃહમાં 'ગુજરાત પશુધન આહાર, મરઘા ચણ અને ખનિજ મિશ્રણ વિધેયક' કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સમર્થન સાથે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમવાર અધ્યક્ષ શંકર ચૌધરીએ પોતે પશુપાલન ક્ષેત્ર સાથે જોડાયેલા હોવાથી બિલ પર ચર્ચામાં ભાગ લીધો હતો અને વિધેયક લાવવા બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. ગૃહમાં વાત મૂકતાં અધ્યક્ષે દાવો કર્યો હતો કે, રાજ્યના યુવાનો દ્વારા માત્ર રૂ. 40,000ની આસપાસની કિંમતનું એક એવું મશીન વિકસાવવામાં આવ્યું છે, જે લાઈટ મારતાની સાથે જ દૂધ, તેલ કે અન્ય ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને વિટામિન જેવા તત્વોની વિગતો તુરંત દર્શાવી દેશે.

વિસાવદર બાયપાસ રોડ પ્રોજેક્ટને મંજૂરી, પ્રથમ તબક્કા માટે 20 કરોડ મંજૂર, બગસરા-જેતપુર હાઈવેથી સાસણગીર જોડશે

વિસાવદર બાયપાસ રોડના નિર્માણકાર્યને મંજૂરી મળી ગઈ છે, જે અંતર્ગત પ્રથમ તબક્કાના કામકાજ માટે ₹20 કરોડની રકમ ફાળવવામાં આવી છે. આ બાયપાસ બગસરા-જેતપુર હાઈવેથી શરૂ થઈ વિસાવદર, સત્તાધાર અને સાસણગીર સુધી જોડાણ પૂરું પાડશે. હાલ મંજૂર કરાયેલા આ બજેટનો ઉપયોગ જમીન સંપાદન, યુટિલિટી શિફ્ટિંગ અને ડીપીઆર (DPR) તૈયાર કરવાની કામગીરી માટે કરવામાં આવશે.

પશુ આહાર બિલ પર ગોપાલ ઇટાલિયાનું નિવેદન

ગુજરાત વિધાનસભામાં પશુ આહાર બિલ અંગે બોલતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પશુ આહારમાં ભેળસેળ કરનારાઓ સામે આકરા પ્રહારો કરતાં તેમને રાષ્ટ્રીય અપરાધી જાહેર કરવાની માગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે કોઈને ચાકુ મારવા પર સજા થાય છે, પરંતુ ભેળસેળના નામે ધીમું ઝેર આપનારાઓને યોગ્ય સજા મળતી નથી. બિલમાં પશુઓની વ્યાખ્યામાંથી ઘોડાનો ઉલ્લેખ બાકાત રહી ગયો હોવાનું દર્શાવવા સાથે તેમણે પશુપાલકોના હિતમાં વન વિસ્તારમાં પશુઓને ચરાણ માટે મંજૂરી આપવા, સસ્તા દરે ઘાસચારો ઉપલબ્ધ કરાવવા અને દુષ્કાળની સ્થિતિ પ્રત્યે પણ ધ્યાન આપવા ગૃહમાં રજૂઆત કરી હતી.

જસ્ટિસ પૂંજ કમિશનનો રિપોર્ટ તાત્કાલિક જાહેર કરવા ગોપાલ ઇટાલિયાની માગ

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર પાટીદાર અનામત આંદોલન સંબંધિત જસ્ટિસ કે. એ. પૂંજ કમિશનનો અહેવાલ દબાવી રાખવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2020થી તૈયાર પડેલા આ અહેવાલને સરકારે વિધાનસભા સમક્ષ તાત્કાલિક જાહેર કરવો જોઈએ, જેથી 2015ના આંદોલન દરમિયાન 14 પાટીદાર યુવાનોના મોત અને પોલીસ અત્યાચાર માટે જવાબદાર દોષિતો સામે કડક કાર્યવાહી થઈ શકે. પોતે પણ કમિશન સમક્ષ સાક્ષી તરીકે એફિડેવિટ કરી ચૂક્યા હોવાનો ઉલ્લેખ કરી તેમણે પાટીદાર સમાજ અને 'પાસ'ના યુવાનોને એક થઈને અહેવાલ જાહેર કરાવવા સરકાર સામે અવાજ ઉઠાવવા હાકલ કરી છે.

વંદે માતરમ વિવાદ પર તુષાર ચૌધરીનું નિવેદન, ઇમરાન ખેડાવાલાએ દિલગીરી વ્યક્ત કરી

વંદે માતરમ મુદ્દે સર્જાયેલા વિવાદ અંગે કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે, વિધાનસભા ગૃહમાં ઇમરાન ખેડાવાલા બે અંતરા પછી બેસી ગયા તે અંગે પક્ષનું કોઈ અલગ સ્ટેન્ડ નહોતું. આ ઘટના અંગે ઇમરાન ખેડાવાલાએ કોંગ્રેસ પક્ષ સમક્ષ દિલગીરી વ્યક્ત કરી છે અને પક્ષ પણ તેમની પાસે ખુલાસો માગશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કોંગ્રેસના કાર્યક્રમોમાં બે અંતરાનું જ વંદે માતરમ ગવાય છે, પરંતુ વિધાનસભા, લોકસભા કે રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યોને બે અંતરા બાદ બેસી જવું એવું પક્ષનું કોઈ વલણ કે સૂચના હોતી નથી.

પશુ આહાર બિલની ચર્ચા વચ્ચે ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગૃહમાં નારાજગી વ્યક્ત કરી

ગુજરાત વિધાનસભામાં પશુ આહાર બિલ પર ચર્ચા દરમિયાન ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સરકારી તંત્રની ઢીલી નીતિ સામે ગૃહમાં વેદના વ્યક્ત કરી હતી. તેમણે આક્ષેપ કર્યો હતો કે દૂધ અને પાણીના સેમ્પલ ચકાસણી માટે આપીને નાણાં ભર્યાની પહોંચ હોવા છતાં 8 મહિના વીતી ગયા પછી પણ હજુ સુધી રિપોર્ટ આવ્યો નથી. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે જો એક ધારાસભ્યએ આપેલા સેમ્પલના રિપોર્ટમાં આટલો વિલંબ થતો હોય, તો સામાન્ય નાગરિકોની સ્થિતિ કેવી હશે.

ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક રજૂ થશે

ગુજરાત વિધાનસભામાં વટહુકમને કાયદાનું સ્વરૂપ આપવા માટે 'ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક' રજૂ કરવામાં આવશે. આ વિધેયક અંતર્ગત જમીનના હક્કપત્રકમાં ફેરફારની નોંધ અને પ્રમાણિકરણની પ્રક્રિયાને વધુ સરળ તથા પારદર્શક બનાવવામાં આવશે. નોંધ પ્રમાણિત કરતાં પહેલાં સંબંધિત પક્ષકારો અને હિતસંબંધ ધરાવતા લોકોને વાંધો રજૂ કરવાની તક મળશે. આ ઉપરાંત, જો જમીન અંગે કોર્ટ કે સક્ષમ સત્તા સમક્ષ કોઈ હકદાવો પડતર ન હોય તો નોટિસ વગર જ ફેરફાર નોંધ થઈ શકશે. આ બિલમાં ગુજરાત જમીન મહેસૂલ નિયમો, 1972ના નિયમ 107માં પણ જરૂરી સુધારાની જોગવાઈ કરવામાં આવી છે.

જીતુ વાઘાણીએ વિધાનસભામાં 'પશુધન આહાર અને ખનિજ મિશ્રણ વિધેયક' રજૂ કર્યું

વિધાનસભા ગૃહમાં મંત્રી જીતુ વાઘાણી દ્વારા પશુઓને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત આહાર મળી રહે તે હેતુથી 'ગુજરાત પશુધન આહાર, મરઘા ચણ અને ખનિજ મિશ્રણ વિધેયક' રજૂ કરવામાં આવ્યું છે. આ કાયદા હેઠળ પશુ આહારમાં ભેળસેળ અને મિસ બ્રાન્ડિંગ રોકવા માટે પશુપાલન વિભાગના ACS ના અધ્યક્ષસ્થાને 7 સભ્યોની નિષ્ણાત કમિટીની રચના કરાશે, જ્યારે પ્રાદેશિક સંયુક્ત પશુપાલન અધિકારી લાઈસન્સ આપવા માટે સક્ષમ અધિકારી રહેશે. વિધેયકમાં ભ્રામક જાહેરાત કે મિસ બ્રાન્ડ બદલ ₹5 લાખનો દંડ અને 3 વર્ષ માટે લાઈસન્સ સસ્પેન્ડ કરવાની તેમજ અશુદ્ધ આહારના કારણે પશુનું મોત થાય તો 7 વર્ષ સુધીની જેલ અને ₹10 લાખ સુધીના દંડની કડક જોગવાઈ કરવામાં આવી છે.

માત્ર પશુઓ નહીં માણસોના ખોરાકમાં ભેળસેળ થાય છે

વિધાનસભા ગૃહમાં 'ગુજરાત પશુધન આહાર,મરઘા ચણ અને ખનિજ મિશ્રણ વિધેયક પર ચર્ચા દરમિયાન સરકારને આડેહાથ લેતા કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે જણાવ્યું હતું કે માત્ર પશુઓના આહારમાં જ નહીં પરંતુ સામાન્ય જનતા અને માણસોના ખોરાકમાં પણ મોટાપાયે ભેળસેળ થઈ રહી છે.તેમણે સદનમાં આક્રમક રજૂઆત કરતા ઉમેર્યું હતું કે ઘી,પનીર,કઠોળ અને અનાજ જેવી રોજિંદી ખાધ્ય ચીજવસ્તુઓમાં વર્ષોથી ભેળસેળ થાય છે અને આ પ્રકારે ચાલતું જ આવ્યું છે. આ ઉપરાંત,કટાક્ષ કરતા તેમણે કહ્યું હતું કે વર્તમાન સમયમાં તો બજારમાં નકલી દારૂ પણ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે જે આપણે બધાએ તાજેતરમાં જ જોયું છે, તેથી પશુઓની સાથેસાથે સરકારે સામાન્ય માણસોના ખોરાક અને સુરક્ષાની પણ ગંભીરતાથી ચિંતા કરવી પડશે. 

ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક આજે રજૂ થશે 

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં આજરોજ ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે.જેનો મુખ્ય હેતુ અગાઉ લાવવામાં આવેલા વટહુકમને કાયદાનું કાયમી સ્વરૂપ આપવાનો છે.આ નવા બિલ દ્વારા જમીનના હક્કપત્રકમાં ફેરફાર કરવાની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવામાં આવશે.જેમાં ફેરફારની નોંધ અને તેના પ્રમાણિકરણ વખતે હિતસંબંધ ધરાવતા તમામ પક્ષકારોને વાંધો રજૂ કરવાની પૂરતી તક આપવામાં આવશે.નોંધણી થયેલા વેચાણ દસ્તાવેજોના આધારે ફેરફાર નોંધવાની પ્રક્રિયા સરળ બનશે અને જો જમીન અંગે કોર્ટ કે સક્ષમ સત્તા સમક્ષ કોઈ હકદાવો પડતર ન હોય તો નોટિસ વગર પણ નોંધ થઈ શકશે.જો છેલ્લા એક વર્ષથી હક્કપત્રકમાં કોઈ ફેરફાર થયો ન હોય તો ખાસ જોગવાઈ લાગુ પડશે, જે અંતર્ગત હક્કપત્રકમાં નામ ધરાવતા તમામ વ્યક્તિઓ દ્વારા વેચાણખત કરવામાં આવ્યો હોવો અનિવાર્ય રહેશે.ગુજરાત જમીન મહેસૂલ નિયમો,1972ના નિયમ 107માં આ મહત્વપૂર્ણ સુધારા કરવાની જોગવાઈ આ વિધેયક હેઠળ કરવામાં આવી છે.

બે વર્ષમાં 75 ખોટા આદિજાતિ પ્રમાણપત્રો રદ

ગુજરાતમાં ખોટા આદિજાતિ પ્રમાણપત્રો મેળવીને સરકારી કે અન્ય લાભો હડપ કરનારાઓ સામે સરકારે લાલ આંખ કરી છે, જેના ભાગરૂપે છેલ્લા બે વર્ષમાં કુલ 75 ખોટા આદિજાતિ પ્રમાણપત્રો રદ કરવામાં આવ્યા છે.વિધાનસભા ગૃહમાં આ અંગે માહિતી આપતા મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે જસ્ટિસ કારીયા કમિટી દ્વારા સઘન ચકાસણી કરવામાં આવ્યા બાદ આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજ્યની વિશ્લેષણ સમિતિ સમક્ષ આવેલી કુલ 1776 અરજીઓમાંથી અત્યાર સુધીમાં 619 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.મંત્રીએ ગૃહમાં સ્પષ્ટતા કરી હતી કે આદિવાસી સમાજના હક અને અધિકારોના રક્ષણ માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારના બોગસ પ્રમાણપત્રો સામે ઝુંબેશ ચાલુ રહેશે.

હીરા ઉદ્યોગની મંદી અંગે ગોપાલ ઈટાલિયાની પ્રતિક્રિયા

ગુજરાતમાં હીરા ઉદ્યોગની વર્તમાન મંદી અને રત્નકલાકારોની મુશ્કેલીઓ અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના સંદર્ભમાં પ્રતિક્રિયા આપતા ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે રાજ્યના અનેક જિલ્લાઓમાં હીરાના કારખાના અને ઉદ્યોગ ધમધમે છે, અને સરકાર દ્વારા રત્નકલાકારો માટે વિશેષ સહાય યોજના જાહેર કરવામાં આવી છે,પરંતુ મંદીનું પ્રમાણ એટલું મોટું છે કે તેના કારણે અનેક રત્નકલાકારોએ આત્મહત્યા જેવા અંતિમ પગલાં પણ ભરવા પડ્યા છે.સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ સામે લાવતા તેમણે વિવિધ જિલ્લાઓમાં સહાય મેળવવા માટે અરજી કરનારા અને વાસ્તવમાં સહાય મળેલા રત્નકલાકારોની વિગતો નીચે મુજબ આપી હતી. સુરતમાં 72 હજાર રત્નકલાકારોએ સહાય માટે અરજી કરી હતી જેમાંથી માત્ર 47 હજાર રત્નકલાકારોને જ સહાય ચૂકવવામાં આવી છે.જૂનાગઢ જિલ્લામાં 2982 અરજીઓમાંથી માત્ર 640 રત્નકલાકારોને સહાય મળી છે.ભેંસાણમાં 893 અરજીઓમાંથી માત્ર 256ને જ સહાય પ્રાપ્ત થઈ છે.વિસાવદરમાં 742 અરજીઓમાંથી માત્ર 36 રત્નકલાકારોને જ સહાય મળી શકી છે.

પોલીસ સુરક્ષા ભાડે આપવા સામે ગોપાલ ઈટાલિયાના પ્રહાર

ગુજરાતમાં પોલીસ સુરક્ષા ભાડે આપવાની વ્યવસ્થા સામે આક્રમક પ્રહાર કરતા ગોપાલ ઈટાલિયાએ નિવેદન આપ્યું છે કે રાજ્યમાં હવે પોલીસ પણ ભાડે મળે છે અને પૈસાદાર લોકો સરળતાથી પોલીસ સુરક્ષા ભાડે મેળવી શકે છે.સરકારે પોતે ગૃહમાં એ વાતનો સ્વીકાર કર્યો છે કે રાજ્યમાં પેમેન્ટ લઈને પોલીસ ભાડે આપવાનો કાયદો અને વ્યવસ્થા અમલમાં છે.જેના પર કટાક્ષ કરતા તેમણે ઉમેર્યું હતું કે મેં પણ હવે બે એસપી ભાડે માંગ્યા છે.સરકારના આંકડા અને વિગતો રજૂ કરતા તેમણે જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં પોલીસ સેવાઓ ફાળવવાથી અંદાજે 17 કરોડ રૂપિયાની આવક થઈ છે.જેમાંથી હજુ પણ 57 લાખ રૂપિયા કંપનીઓ પાસેથી લેવાના બાકી છે. આ ઉપરાંત વીજળીના થાંભલા નાખવા માટે જે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવે છે તે પણ ભાડાની જ પોલીસ હોય છે.સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અંદાજે 7 કરોડ રૂપિયામાં પોલીસ ભાડે આપવામાં આવી હતી.જેમાંથી હજુ 2 લાખ રૂપિયા વસૂલવાના બાકી છે.સરકારના આ સ્વીકાર પર પ્રહાર કરતા તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે ગુજરાતમાં હજુ આ પ્રકારે પોલીસ ભાડે આપવાની પ્રથા પૂરજોશમાં શરૂ છે અને જો આ જ સ્થિતિ રહી તો આવનારા દિવસોમાં કલેક્ટર પણ ભાડે મળી જશે, કારણ કે હાલ ઓન-પેમેન્ટ ધોરણે પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવી રહ્યો છે.

મંત્રી જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા

વિધાનસભા ગૃહમાં 'વંદે માતરમ્' વિવાદ અંગે આક્રમક વલણ અપનાવતા ભાજપના ધારાસભ્ય અને મંત્રી જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આજે કોંગ્રેસની નકૂચામાં આંગળી આવી છે અને તેમણે બહાર મીડિયામાં જઈને જોઈ લેવું જોઈએ કે ઇમરાનભાઇએ શું નિવેદનો આપ્યા છે કારણ કે આ બાબતે તમારા નેતાઓના નિવેદનો પણ અલગ-અલગ સામે આવી રહ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "RSS અમારું ગોત્ર છે, છે અને રહેશે; અમને RSS પર ગર્વ છે અને અમે સ્વયંસેવક છીએ." કોંગ્રેસના બચાવ પર કટાક્ષ કરતા તેમણે ઉમેર્યું હતું કે આ કોઈ અજાણતા થયેલી ભૂલ નથી, પરંતુ ઇમરાનભાઇ દ્વારા જાણી જોઈને આ કૃત્ય કરવામાં આવ્યું છે.

વિધાનસભા અધ્યક્ષ પોઇન્ટ ઓફ ઓર્ડર માન્ય રાખ્યો

વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ 'વંદે માતરમ્'ના અપમાનના મુદ્દે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રજૂ કરવામાં આવેલો પોઇન્ટ ઓફ ઓર્ડર માન્ય રાખ્યો છે. અધ્યક્ષે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસથી આ મુદ્દે અનેક લોકો દ્વારા ચર્ચા કરવામાં આવી છે અને વિવિધ માધ્યમો દ્વારા પણ મને આ અંગે સવાલો પૂછવામાં આવ્યા છે.ગૃહની બહાર કે અંદર આ પ્રકારની ઘટના બની હોય ત્યારે તેના માટે નિયમો અત્યંત સ્પષ્ટ છે, તેથી આ સમગ્ર મામલાનો વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ હું ટૂંક સમયમાં જ મારું અધિકૃત નિર્ણય અને ચુકાદો જાહેર કરીશ.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક રજૂ થશે 

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં શિક્ષણ ક્ષેત્રે કડક નિયંત્રણો લાવવા માટે 'ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક'શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા દ્વારા ગૃહમાં રજૂ કરવામાં આવશે. બોર્ડની મંજૂરી વિના ગેરકાયદેસર રીતે ધમધમતી શાળાઓ સામે કડક સકંજો કસવા માટે રાજ્ય સરકાર દ્વારા દંડની રકમમાં મોટો વધારો કરવામાં આવ્યો છે.બોર્ડની માન્યતા કે મંજૂરી વગર ચાલતી શાળાઓ અને મનસ્વી રીતે અચાનક નોટિસ આપ્યા વગર શાળાઓ બંધ કરી દેનારા સંચાલકો સામે શિક્ષાત્મક પગલાં લેવાશે.નિયમોનું ઉલ્લંઘન કરતી શાળાઓ સામે દંડની રકમ વધારીને 15 લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે, તેમજ દોષિતોને ૨ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ પણ રાખવામાં આવી છે.નોન-ટીચિંગ સ્ટાફની ભરતી: શાળાઓમાં નોન-ટીચિંગ સ્ટાફની ભરતી હવે સીધી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

ચોમાસુ સત્રમા વધુ એક નવો કાયદો બનાવશે સરકાર 

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં પશુધનના સ્વાસ્થ્ય અને રક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા વધુ એક મહત્વનો નવો કાયદો લાવવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે 'ગુજરાત પશુધન આહાર, મરઘા ચણ અને ખનિજ મિશ્રણ વિધેયક' રજૂ કરવામાં આવશે. પશુઓ માટે બજારમાં વેચાતા ખોરાક અને આહારમાં થતી ભેળસેળ તેમજ મિસ બ્રાન્ડેડ ઉત્પાદનો પર કડક લગામ કસવા અને પશુઓને શુદ્ધ તેમજ ગુણવત્તાયુક્ત આહાર મળી રહે તે હેતુસર આ વિધેયક લાવવામાં આવ્યું છે.

જીએસટી સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં આજરોજ જીએસટી સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય રિટેલર્સ અને ગ્રાહકોને સીધો ફાયદો પહોંચાડવાનો છે. આ સુધારો અમલમાં આવવાથી જીએસટી કાયદાની કલમ 15-3-B દૂર કરવામાં આવશે અને કરારની જોગવાઈઓ રદ કરીને વેપારીઓને ક્રેડિટ નોટ દ્વારા વળતરનો લાભ મળી શકશે. આ ઉપરાંત, ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરના કેસોમાં વેપારીઓ કે રિટેલર્સને માત્ર ૭ દિવસની ટૂંકી અંદર ૯૦ ટકા જેટલું રિફંડ પરત મળી રહે તેવી મહત્વની જોગવાઈ પણ આ વિધેયકમાં સામેલ કરવામાં આવી છે.

સમગ્ર મામલાને રાજકીય રંગ આપવામાં ન આવે: શૈલેષ પરમાર

દિલ્હીના વિવાદનો ઉલ્લેખ કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે 15 ઓગસ્ટ અંગેની જે વાત કરવામાં આવી રહી છે તે વાસ્તવમાં ખડગેજીની ચેર (બેઠક) માટે હતી, પરંતુ તેને ખોટી રીતે અપમાન તરીકે ચલાવવામાં આવ્યું છે. અમારે કોઈ રાજકીય વાતો નથી કરવી કારણ કે ઈતિહાસ અમારો જ છે અને અમારો જ રહેશે. પોતાના નિવેદનમાં પારદર્શિતા દાખવતા તેમણે સ્વીકાર્યું હતું કે મારા સહિત અહીં ઘણા એવા બેઠા છે જેઓ આખું 'વંદે માતરમ્' મોઢે નથી બોલી શકતા અને હું પોતે પણ જોઈને જ બોલતો હતો. અંતે તેમણે અપીલ કરી હતી કે આ સમગ્ર મામલાને રાજકીય રંગ આપવામાં ન આવે અને આ ભૂલને માફ કરવામાં આવે.

આ બનાવ ઇમરાનભાઇનો વ્યક્તિગત છેઃ શૈલેષ પરમાર

શૈલેષ પરમારે ગઈકાલની ઘટનાને નિંદનીય ગણાવવાની સાથે સ્પષ્ટતા કરી હતી કે આ બનાવ ઇમરાનભાઇનો વ્યક્તિગત છે, તે સમગ્ર કોંગ્રેસ પાર્ટીનો વિષય નથી અને આ મામલે ઇમરાનભાઈની ભૂલને કોંગ્રેસ સાથે જોડવી યોગ્ય નથી. તેમણે ઉમેર્યું હતું કે દેશની આઝાદી અને ત્યારબાદ પણ અમારા નેતાઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું છે, જો તમારામાં તાકાત હોય તો એક નામ બતાવો કે તમારામાંથી કોઈએ દેશ માટે બલિદાન આપ્યું હોય.

દેશભક્તિની ભાવના અમારા લોહીમાં ઉકળે છે: શૈલષ પરમાર

વિધાનસભા ગૃહમાં 'વંદે માતરમ્'ના વિવાદ અંગે નિવેદન આપતા કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે અગાઉના સત્રમાં પણ બધા સભ્યોએ મળીને આખું વંદે માતરમ્ ગાયું હતું અને કોંગ્રેસ આઝાદીના સાચા વારસદારો છે કારણ કે અમારા નેતાઓએ દેશની આઝાદી માટે અને વંદે માતરમ્ ગાતા ગાતા શહીદી વહોરી છે, તેથી અમને દેશભક્તિનું સર્ટિફિકેટ આપનાર તમે કોણ છો?તેમણે પલટવાર કરતા કહ્યું કે દેશભક્તિની ભાવના અમારા લોહીમાં ઉકળે છે કોઈએ ભૂતકાળની ચોપડીઓ વાંચી લેવી જોઈએ અને કોઈપણ સામાન્ય મુદ્દાને પકડીને તેનું રાજકીય અવલોકન કરવું યોગ્ય નથી.

વંદે માતરમ મુદ્દે કોંગ્રેસનું ગૃહમાં નિવેદન: ગેરસમજથી બનાવ બન્યો, ઇમરાન ખેડાવાલા પાસે મંગાશે ખુલાસો

વિધાનસભા ગૃહમાં વંદે માતરમ ગાનના વિવાદ મુદ્દે કોંગ્રેસે સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે કોંગ્રેસના તમામ ધારાસભ્યો સન્માનમાં ઊભા જ હતા, પરંતુ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની ગેરસમજના કારણે તેઓ 2 અંતરા માટે ઊભા રહ્યા હતા. આ અંગે પક્ષ દ્વારા ઇમરાન ખેડાવાલા પાસે સ્પષ્ટ ખુલાસો પૂછવામાં આવશે. કોંગ્રેસે સ્વીકાર્યું હતું કે જે પણ થયું તે ખોટું થયું છે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને તેનું પક્ષ સમર્થન કરે છે. કોંગ્રેસ હંમેશાં રાષ્ટ્રગાનનું સન્માન જાળવવામાં જ માને છે અને 1896ના પ્રથમ અધિવેશનથી જ વંદે માતરમ ગાય છે, જ્યારે ભાજપનું જે ગોત્ર છે ત્યાં વર્ષો સુધી વંદે માતરમ ગવાયું જ નહોતું.

વંદે માતરમ મુદ્દે મંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન

વિધાનસભા ગૃહમાં વંદે માતરમ મુદ્દે નિવેદન આપતા મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે કોંગ્રેસના પ્રથમ અધિવેશનમાં આખું વંદે માતરમ ગવાયું હતું, પરંતુ જેમને વાંધો હતો તેમના કારણે દેશ અને ગીતના ટુકડા થયા તથા જેને નહોતું ગમતું તે પાકિસ્તાન જતા રહ્યા. બંધારણ સભામાં ડો. રાજેન્દ્ર પ્રસાદજીએ પણ તેને મંજૂરી આપી હતી. બહાર રાષ્ટ્રગીતનું અપમાન થાય તો 3 વર્ષની સજા થાય છે, ત્યારે ગૃહમાં આવી ઘટના બને તો ખૂબ ખોટા સંકેત જાય છે. પોતાના અમેરિકા પ્રવાસનો ઉલ્લેખ કરતાં તેમણે ઉમેર્યું હતું કે આ ગીત ગાતા હજારો સ્વતંત્રતા સેનાનીઓ ફાંસીએ ચડી ગયા હતા, તેથી આ ગીત પ્રત્યે આવી અણગમાની ભાવના દેશ માટે સારી નથી.

વિધાનસભામાં CM ભૂપેન્દ્ર પટેલનું નિવેદન

ગુજરાત વિધાનસભા ગૃહમાં જાહેર અગત્યની બાબત પર નિવેદન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંત રવિદાસજીની 650મી જન્મજયંતી વર્ષની ઉજવણી અંગે મહત્વની જાહેરાતો કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના સાંસ્કૃતિક ઇતિહાસને ઉચ્ચ સ્થાન આપ્યું છે. સંત રવિદાસજીના "મન ચંગા તો કથરોટ મેં ગંગા"ના વિચારો આજે પણ સમાજને પ્રેરણા આપે છે. આ ઉજવણીના ભાગરૂપે સમરસતા સંકલ્પ માટે ₹40 કરોડની ગ્રાન્ટ, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે સંત રવિદાસ સેન્ટરની સ્થાપના, જૂનાગઢના સરસાઈ આશ્રમ માટે ₹10 કરોડની જોગવાઈ તેમજ સંત રવિદાસજી પર પુસ્તક અને વિડિયો જાહેર કરવામાં આવશે. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ કુલ ₹231 કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.


મંત્રી ઋષિકેશ પટેલે વંદે માતરમનો મુદ્દો ઉઠાવ્યો

સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં 'વંદે માતરમ્'ના મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે આઝાદી બાદ તરત જ રાજકીય સ્વાર્થ અને કારણોસર વંદે માતરમ્ ની કડીઓ ઘટાડી નાખવામાં આવી હતી અને આઝાદી પહેલા તેમજ બાદમાં તેની ત્રણ કડીઓ કાઢી નાખીને વાસ્તવમાં તેનું અપમાન કરવામાં આવ્યું છે.મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે વડાપ્રધાન મોદીએ આ પરંપરાને પુનઃજીવિત કરીને આખું વંદે માતરમ્ ગાવાની શરૂઆત કરાવી છે.કારણ કે ભારત સરકારના સ્પષ્ટ હુકમ અને નિયમો અનુસાર રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનના સન્માનમાં સમયસર ઊભા રહેવાની અનિવાર્ય સૂચના આપવામાં આવેલી છે.

ઇમરાન ખેડાવાલા સામે કડક પગલાં લેવાની માગ

વિધાનસભા ગૃહની બહાર જઈને ઇન્ટરવ્યુમાં આયોજનપૂર્વક સમગ્ર ઘટનાના પ્રયાસ કરવા બદલ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા સામે કડક પગલાં લેવાની માંગ ઉઠાવવામાં આવી છે.આ મામલે ઇમરાન ખેડાવાલાનું વિડિયો રેકોર્ડિંગ ચકાસવાની સાથે ગૃહના પ્રવર્તમાન નિયમો અને વિશેષાધિકાર ભંગ અનુસાર યોગ્ય કાર્યવાહી કરવાની જોરદાર માંગ કરવામાં આવી છે જેથી ભવિષ્યમાં કોઈ પણ પક્ષ કે સભ્ય આવું કૃત્ય કરવાની હિંમત ન કરે અને એક મજબૂત દાખલો બેસાડી શકાય.ઇમરાન ખેડાવાલા વિરુદ્ધ પ્રિવિલેજ કમિટી અથવા એથિક્સ કમિટીને તપાસ સોંપવા હર્ષ સંઘવીએ વિધાનસભા અધ્યક્ષ સામે માગ કરી હતી. 

ગુજરાત વિધાનસભામાં આખું વંદે માતરમ ગીત ગવાય છે

નાયબ મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે સત્રના આગળના દિવસે ખાસ બેઠક બોલાવીને આ પ્રકારના વિરોધ કરવા માટેના કાર્યો કરાવવામાં આવ્યા છે, જે અગાઉ ક્યારેય ગુજરાતની વિધાનસભામાં જોવા મળ્યા નથી.આખું વંદે માતરમ્ ગાવાની પરંપરાની શરૂઆત કરનાર દેશની પ્રથમ વિધાનસભા ગુજરાત છે ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ પ્રકારની રાજનીતિ કરીને યુવા વર્ગ સમક્ષ કેવી ખોટી પ્રેરણા પૂરી પાડવા માંગે છે તે એક મોટો સવાલ છે.

વિધાનસભામાં વંદે માતરમનો મુદ્દો ગાજ્યો, હર્ષ સંઘવીએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો

વિધાનસભા ગૃહમાં 'વંદે માતરમ્'ના અપમાનના મુદ્દે આક્રમક વલણ અપનાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પોઇન્ટ ઓફ ઓર્ડર હેઠળ ગંભીર આક્ષેપો કર્યા હતા કે કોંગ્રેસના સભ્ય ઇમરાન ખેડાવાલા જાણી જોઈને ઊભા થવાના બદલે બેસી રહ્યા હતા અને તેમણે સીધેસીધો 'વંદે માતરમ્'નો વિરોધ કરવાનું કૃત્ય કર્યું છે. આ ઘટના લોકશાહીની સર્વોચ્ચ સંસ્થામાં બની હોવાથી તે કોઈ એક વ્યક્તિગત સભ્યના વર્તનનો સીમિત પ્રશ્ન નથી, પરંતુ ઇમરાનભાઇ આ સમગ્ર ઘટનામાં માત્ર એક ખાલી મહોરું હતા કારણ કે થોડા દિવસ પહેલા જ આપણે દિલ્હીમાં પણ આ પ્રકારના દ્રશ્યો જોયા છે જ્યાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને સોનિયા ગાંધીને પણ આપણે જોયા છે અને સ્ટાફને ખખડાવવામાં આવે છે.

અધિકારીઓને વિધાનસભા અધ્યક્ષની ફરી એક વખત ટકોર

વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થતાની સાથે જ ગેલેરીમાંથી અધિકારીઓ દ્વારા ચાલતી પકડવા અને બહાર નીકળી જવાના અણછાજતા વર્તનને લઈને વિધાનસભા અધ્યક્ષે ફરી એક વખત કડક ટકોર કરી હતી.મુખ્યમંત્રી જ્યારે જાહેર અગત્યની બાબત પર મહત્વનું નિવેદન આપી રહ્યા હતા, તે જ સમયે કેટલાક અધિકારીઓ ગેલેરીમાંથી બહાર જવા માટે નીકળ્યા હતા, જેને ગંભીરતાથી લઈને અધ્યક્ષે તરત જ તેમને પાછા બોલાવીને પોતાની બેઠક પર બેસાડ્યા હતા. અધ્યક્ષે સ્પષ્ટ આદેશ આપ્યો હતો કે અધિકારીઓ ગેલેરીમાંથી પોતાનું સ્થાન છોડશે નહીં અને જે અધિકારીઓ બહાર જતા રહ્યા છે તેમને પણ તુરંત પાછા બોલાવવામાં આવે.વિધાનસભાના લગભગ દરેક સત્રમાં અધિકારીઓ દ્વારા આ પ્રકારે ગૃહની મર્યાદા અને કાર્યવાહી દરમિયાન બહાર જવાની બાબત સામે આવતી હોય છે, જેને લઈને અગાઉ પણ અધ્યક્ષ દ્વારા નારાજગી વ્યક્ત કરીને ટકોર કરવામાં આવી ચૂકી છે.

231 કરોડની ગ્રાન્ટ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગને ફાળવાઈ

વિધાનસભા ગૃહમાં નિવેદન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ ભારતના સાંસ્કૃતિક ઇતિહાસને હંમેશાં ઉચ્ચ સ્થાન આપ્યું છે અને સોમનાથ સાંસ્કૃતિક ઉત્સવની ઉજવણીની સાથે હવે સંત શિરોમણી રવિદાસજીની 650મી જન્મજયંતી વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.સંત રવિદાસજી દરેક યુવકને સમાન તક મળે અને દરેક ગરીબને સરકારી યોજનાઓનો લાભ મળે તેવી વિચારધારા ધરાવતા હતા અને મન ચંગા તો કથરોટ મેં ગંગા જેવું અમૂલ્ય ઉદાહરણ આજે પણ સમગ્ર સમાજને પ્રેરણા પૂરી પાડે છે.આ પ્રસંગે સામાજિક સમરસતાના સંકલ્પને મજબૂત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કુલ 231 કરોડ રૂપિયાથી વધુની ગ્રાન્ટ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ ફાળવવામાં આવી છે.જેમાં વિશેષ રૂપે સમરસતા સંકલ્પ માટે 40 કરોડ રૂપિયાની ગ્રાન્ટ, જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં સંત રવિદાસ સેન્ટરની સ્થાપના, સંત રવિદાસજીના જીવન અને વિચારો પર આધારિત વિશેષ પુસ્તક અને વિડિયોનું લોકાર્પણ તેમજ જૂનાગઢના સરસાઇ આશ્રમ માટે 10 કરોડ રૂપિયાની વિશેષ જોગવાઈ કરવામાં આવી છે.

કોંગ્રેસના ધારાસભ્યએ એનાલોગ પનીરનો મુદ્દો ઉઠાવ્યો

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના સભ્ય અમૃતજી ઠાકોર દ્વારા એનાલૉગ પનીરનો મહત્વનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જેના જવાબમાં મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સ્પષ્ટતા કરી હતી કે પામોલિન ઓઈલ અને મિલ્ક પાવડરથી બનતા આ કથિત પનીર વાસ્તવમાં પનીર હોતું જ નથી, જેને ધ્યાનમાં રાખીને એનાલૉગ પનીર, ચીઝ અને બટરના પ્રોડક્શન, વેચાણ તથા સંગ્રહ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.મંત્રીએ ગૃહમાં વધુમાં જણાવ્યું હતું કે આ પ્રતિબંધના કારણે સહકારી ડેરીઓના ઓરિજિનલ પનીરના વેચાણમાં વધારો થયો છે, પરંતુ બજારમાં હજુ પણ મિસ બ્રાન્ડ, સબ સ્ટાન્ડર્ડ અને અનસેફ સેમ્પલો સામે આવી રહ્યા છે, જેનું ઉદાહરણ આપતા તેમણે માહિતી આપી હતી કે માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ છેલ્લા એક વર્ષમાં ૪૮ જેટલા સેમ્પલ અનસેફ જાહેર થયા છે.

ગોપાલ ઈટાલિયા અને હર્ષ સંઘવી આમને સામને

સીસીટીવી કેમેરા લગાવવાના મુદ્દે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે આમનેસામને ચર્ચા થઈ છે.આ ચર્ચા દરમિયાન ગોપાલ ઇટાલિયા દ્વારા સવાલ પૂછવામાં આવ્યો હતો કે બુટલેગરોની હિલચાલ પર નજર રાખવા માટે કુલ કેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે?આ સવાલના જવાબમાં સરકારી પક્ષ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે કોઈ પણ વ્યક્તિના ઘર ઉપર સીસીટીવી કેમેરા લગાવવાની બંધારણ પરવાનગી આપતું નથી. સાથે જ વળતો પ્રહાર કરતા એવું પણ પૂછવામાં આવ્યું હતું કે જો પંજાબમાં આપની સરકારે આવું કોઈ પગલું ભર્યું હોય તો તેની જાણકારી આપો. આમ, સુરક્ષા અને સીસીટીવી લગાવવાના આ પ્રશ્નને લઈને બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી.

ઈમરાન ખેડાવાલા વિધાનસભામાં ગેરહાજર

વિધાનસભા ગૃહના પ્રથમ દિવસે 'વંદે માતરમ' ગાન સમયે પોતાની જગ્યા પર ઊભા ન રહેવાને લઈને પેદા થયેલા મોટા વિવાદ અને ભાજપના મંત્રીઓ સાથે જાહેર માધ્યમોમાં થયેલી ચર્ચા બાદ આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા ગૃહમાં ગેરહાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ India News: પેકેજ્ડ ફૂડ પર ચેતવણી આપવામાં વિલંબ થતાં સુપ્રીમ કોર્ટ નારાજ, FSSAIની ઝાટકણી કાઢી