સુપ્રીમ કોર્ટે પેકેજ્ડ ફૂડ પરના ચેતવણી લેબલને લઈને FSSAI સામે નારાજગી વ્યક્ત કરી છે.કોર્ટે પૂછ્યું છે કે કોઈપણ ફૂડના પેકેજિંગ પરની ચેતવણીમાં શા માટે વિલંબ થઈ રહ્યો છે. કોર્ટે આ મામલે વધુ માહિતી માંગી છે તેમજ એ પણ સવાલ કર્યો છે કે મીઠું અને સોડિયમની માત્રા અંગેની ચેતવણીને લઈને શું નિર્ણય લેવાયો છે. સુનાવણી દરમિયાન અરજદારના વકીલે કોર્ટને જણાવ્યું કે અગાઉ યોજાયેલી બેઠકમાં હિસ્સેદારો સાથે FSSAIએ કેટલીક બાબતો પર સહમતિ દર્શાવી હતી.પરંતુ હવે તે પોતાની વાતથી ફરી ગઈ છે.વકીલે કહ્યું કે આજે FSSAIએ સંપૂર્ણપણે યુ-ટર્ન લઈ લીધો છે અને અગાઉ જે નક્કી થયું હતું તેનાથી અલગ જ રૂખ અપનાવ્યો છે. 

ચીજવસ્તુઓની તપાસ ચોક્કસ શરતોના આધારે થવી જોઈએ

આ કેસમાં સિનિયર એડવોકેટ મનજિન્દર સિંહે સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી હતી.તેમણે જણાવ્યું કે ICMRની ગાઈડલાઈન્સમાં બે શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે.તેમણે સૂચન કર્યું કે ખાણીપીણીની ચીજવસ્તુઓની તપાસ ચોક્કસ શરતોના આધારે થવી જોઈએ.એટલે કે ટેસ્ટિંગ 100 ગ્રામની માત્રા પર તેમજ પ્રત્યેક સર્વિંગની માત્રા પર પણ થવું જોઈએ જેથી ગ્રાહકોને સાચી માહિતી મળી શકે. જસ્ટિસ પારડીવાલાએ જણાવ્યું કે અદાલતે પણ આ વિષય પર પોતાના સ્તરે અભ્યાસ કર્યો છે.તેમણે કહ્યું કે આજે આ મામલે આદેશ જાહેર કરવામાં આવશે જે સાંજ સુધીમાં અથવા તો કાલે અપલોડ થઈ જશે. 

FSSAI અને કેન્દ્ર સરકાર આદેશને ધ્યાનથી વાંચેઃ સુપ્રીમ કોર્ટ

જસ્ટિસ પારડીવાલાએ વકીલોને કહ્યું કે તેઓ આ આદેશનો અભ્યાસ કરે અને ત્યારબાદ કોર્ટમાં પરત આવે.એવું પણ કહેવામાં આવ્યું કે FSSAI અને કેન્દ્ર સરકાર પણ આ આદેશને ધ્યાનથી વાંચે જેથી આગળની સુનાવણીમાં આ અંગે યોગ્ય રીતે ચર્ચાઓ થઈ શકે.આ મામલો પેકેજ્ડ ફૂડ પ્રોડક્ટ્સ પરના હેલ્થ વોર્નિંગ લેબલ સાથે જોડાયેલો છે જેમાં વધુ ખાંડ,મીઠું અને ચરબીની માત્રાની માહિતી ગ્રોહકો સુધી સ્પષ્ટ રીતે પહોંચાડવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gandhinagar News: નેપાળ પૂર દુર્ઘટનામાં ગુમ થયેલા ગુજરાતીઓની ઓળખ માટે DNA સેમ્પલિંગ પ્રક્રિયા પૂર્ણતાના આરે