ગુજરાત ATSના DIG સુનિલ જોષીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, જૈશ-એ-મહમ્મદના આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ATSની તપાસમાં સ્પષ્ટ થયું છે કે, ઝડપાયેલા આરોપીઓ છેલ્લા પાંચ મહિનાથી આ પ્રતિબંધિત સંગઠન સાથે સક્રિય રીતે જોડાયેલા હતા અને તેઓ જિહાદી સાહિત્યના ભાષાંતર જેવી દેશવિરોધી ગતિવિધિઓમાં સામેલ હતા. તપાસમાં આતંકીઓનું પાકિસ્તાન અને કાશ્મીર કનેક્શન પણ સામે આવ્યું છે. જેમાં તેઓ સંપર્ક સાધવા માટે પાકિસ્તાની મોબાઈલ નંબરનો ઉપયોગ કરતા હતા. આ ઉપરાંત, વડોદરા ખાતે એક કાશ્મીરી ઈસમે મુખ્ય આરોપીઓ સાથે મુલાકાત કરી હોવાની વિગતો પણ તપાસમાં બહાર આવી છે.

આરોપીઓને કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા

ATSના DIG સુનિલ જોષીએ વધુમાં કહ્યું હતું કે, મુખ્ય આરોપીઓ અહમેદ અબ્દુલ્લા ગાંચીવાલા અને ઇબ્રાહીમ મામદહુશેન ઘાંઘાને આશરે ત્રણ લાખ રૂપિયાનું ફંડિંગ મળ્યું હોવાનો ખુલાસો થયો છે. મોડ્યુલ સાથે 'અબ્દુલ્લા ઉર્ફે શાયરી બાજ' નામનો શખ્સ પણ સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. હાલમાં તમામ પકડાયેલા આરોપીઓને કડી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. તમામ આરોપીઓને કોર્ટ દ્વારા 14 દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા છે. હવે સુરક્ષા એજન્સીઓ આ આતંકીઓ દ્વારા ભારતના કોઈ સંવેદનશીલ સ્થળે હુમલા માટે રેકી કરવામાં આવી છે કે નહીં, તે દિશામાં વધુ સઘન તપાસ કરી રહી છે.

UAPA હેઠળના ગુનાઓ સહિત કુલ 38 આતંકીઓને પકડ્યા

ATSના DIG સુનિલ જોષીએ કહ્યું હતું કે, છેલ્લા સાડા ત્રણ વર્ષમાં ATS એ UAPA હેઠળના ગુનાઓ સહિત કુલ 38 આતંકીઓને પકડ્યા છે. તાજેતરમાં પાટણ અને બનાસકાંઠા તરફ આતંકી પ્રવૃતિઓ ચાલતી હોવાની ગુપ્ત બાતમી ATS ને મળી હતી, જેના આધારે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન અમદાવાદ-મહેસાણા હાઈવે પર નંદાસન વિસ્તારમાં આરોપીઓની શંકાસ્પદ મૂવમેન્ટ જોવા મળી હતી. આતંકીઓ જૈશ-એ-મહમ્મદ સાથે સંકળાયેલા હોવાનું સામે આવતા, ATS એ દરોડા પાડીને ભાગળ અને ખડિયાસણ ગામમાંથી કુલ 8 આરોપીઓને ઝડપી લીધા હતા. 

'ડેડ ડ્રોપ' ના માધ્યમથી નાણાં મળતા હતા

ATSના DIG સુનિલ જોષીએ કહ્યું હતું કે, આ આતંકીઓ પ્રતિબંધિત સંગઠન 'જૈશ-એ-મહમ્મદ' ના વડા મસૂદ અઝહરથી અત્યંત પ્રભાવિત હતા અને તેઓ સ્થાનિક લોકોને આ સંગઠન સાથે જોડવાનું કામ કરતા હતા. તપાસ દરમિયાન તેમની પાસેથી ગુજરાતી ભાષામાં રૂપાંતરિત જેહાદી સાહિત્ય અને હાથથી બનાવેલા જૈશ-એ-મહમ્મદના ઝંડા પણ મળી આવ્યા છે. આરોપીઓને આતંકી પ્રવૃતિઓ માટે 'ડેડ ડ્રોપ' ના માધ્યમથી નાણાં મળતા હતા. વધુમાં, આ આરોપીઓએ વડોદરા ખાતે એક કાશ્મીરી ઈસમ સાથે ગુપ્ત મીટિંગ કરી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે તમામ આરોપીઓ વિરુદ્ધ UAPA અને BNS ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી ફોન, સાહિત્ય સહિતના પુરાવાઓ જપ્ત કરીને વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat Rain : આજે સાંજે 4 વાગ્યા સુધીમાં 134 તાલુકામાં વરસાદ નોંધાયો, ડાંગના વઘઈમાં 12.99 ઈંચ ખાબક્યો