ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. જેના પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજે બપોરે 4 વાગ્યા સુધીમાં કુલ 134 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. આ વરસાદી આંકડાઓ પર નજર કરીએ તો, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે. ડાંગના વઘઈમાં સૌથી વધુ 12.99 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે સુરતના અંબિકામાં 11.14 ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તાપીના ડોલવણમાં 9.96 ઈંચ, નવસારીના વાંસદામાં 9.17 ઈંચ અને ડાંગના સુબિરમાં 9.13 ઈંચ વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે.
રાજ્યના 2 તાલુકાઓમાં 10 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો
વરસાદની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાજ્યના 2 તાલુકાઓમાં 10 ઈંચ કરતા વધુ, 5 તાલુકાઓમાં 9 ઈંચ કરતા વધુ, 8 તાલુકાઓમાં 8 ઈંચ કરતા વધુ અને 13 તાલુકાઓમાં 7 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત નવસારીના ચિખલીમાં 8.86 ઈંચ, તાપીના વાલોડમાં 8.46 ઈંચ, જૂનાગઢના માળિયા હાટીનામાં 8.31 ઈંચ, વલસાડમાં 7.72 ઈંચ, જૂનાગઢના માંગરોળમાં 7.6 ઈંચ, નવસારીના ગણદેવીમાં 7.4 ઈંચ અને ગીરસોમનાથના વેરાવળમાં 7.2 ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે.
