ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે. આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે. ઉમેદવારો આજે બપોરે ત્રણ વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચી શકે છે.ત્યારે ઉમેદવારો દ્વારા ચૂંટણીપંચમાં રજૂ કરવામાં આવેલા એફિડેવિટમાંથી તેમની કરોડો રૂપિયાની સંપત્તિ અને આલીશાન જીવનશૈલીની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.ચૂંટણી લડી રહેલા અનેક ઉમેદવારો અઢળક સંપત્તિના માલિક હોવાનું સામે આવતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
ભાજપના સૌથી અમીર ઉમેદવાર
આ ચૂંટણીમાં સૌથી અમીર ઉમેદવાર તરીકે ભાજપના જશવંત પટેલનું નામ સામે આવ્યું છે.જેમની પાસે જંગી 244 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર થઈ છે.સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા અને BE સિવિલ સુધી અભ્યાસ કરનાર જશવંત પટેલ પાસે 75 તોલા સોનું પણ છે.આ ઉપરાંત, ભાજપના અન્ય એક ઉમેદવાર અને વ્યવસાયે બિલ્ડર એવા મહેશ ચૌધરી પાસે 29.04 કરોડ રૂપિયાની સંપત્તિ છે.11 ધોરણ પાસ મહેશ ચૌધરી પાસે 97 તોલા સોનું તેમજ લક્ઝુરિયસ કાર પણ છે.
ભાજપના કરોડપતિ ઉમેદવારો
આ જ ક્રમમાં વોર્ડ નંબર 10ના ભાજપના ઉમેદવાર ગૌરાંગ પટેલે કુલ 14.81 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે.બી.એસ.સી. સુધી અભ્યાસ કરનાર ગૌરાંગ પટેલ પાસે રેન્જ રોવર, બી.એમ.ડબ્લ્યુ., ઇનોવા અને એન્ડેવર જેવી મોંઘી અને લક્ઝુરિયસ ગાડીઓ છે.ભાજપના જ મહિલા ઉમેદવાર દિપ્તીબેન પટેલ પણ કરોડપતિઓની યાદીમાં સામેલ છે.જેમણે બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે અને તેમની પાસે 12.35 કરોડ રૂપિયાની સંપત્તિ છે.
વિપક્ષના ઉમેદવાર પણ કરોડપતિ
માત્ર ભાજપ જ નહીં પરંતુ વિપક્ષના ઉમેદવારો પણ સંપત્તિની બાબતમાં પાછળ નથી.કોંગ્રેસના ઉમેદવાર યુનુસ પરમાર દ્વારા રજૂ કરાયેલા એફિડેવિટ મુજબ તેમની પાસે કુલ 9.21 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરવામાં આવી છે.ગાંધીનગર મનપાની આ ચૂંટણીમાં વિવિધ રાજકીય પક્ષોના આ ધુરંધર અને કરોડપતિ ઉમેદવારો મેદાને ઉતર્યા હોવાથી આ ચૂંટણી માત્ર વૈચારિક જંગ નહીં પરંતુ આર્થિક રીતે પણ અત્યંત રસપ્રદ બની રહી છે.
હાલની સ્થિતિએ 138 ઉમેદવારો મેદાને રહ્યા છે
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીના પ્રક્રિયામાં મેન્ટેડ વગરના,ભૂલ ભરેલા ફોર્મ, ત્રણ બાળકો સહિતના કારણોથી 65 જેટલા ફોર્મ રદ કરાયા હતા.11 વોર્ડની 44 બેઠકો માટે 203 ફોર્મ ભરાયા હતા.જેમાંથી 65 ફોર્મ રદ થતા હાલની સ્થિતિએ 138 ઉમેદવારો મેદાને રહ્યા છે.આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હોવાથી જો કોઈ ફોર્મ પરત ખેંચાય તો હરિફ ઉમેદવારોનો આંકડો હજુ ઘટી શકે છે. ઉમેદવારો આજે બપોરે ત્રણ વાગ્યા સુધી ફોર્મ પરત ખેંચી શકશે.
આ પણ વાંચોઃ Ahmedabad News: મકરબા બ્રિજનું કેપ્સ્યુલ જંક્શન ફાયર બ્રિગેડ માટે બન્યું ચક્રવ્યૂહ, આ વિસ્તારોમાં મદદ મોડી પહોંચશે