ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) સહિત રાજ્યની બે નગરપાલિકાઓ અને વિવિધ બેઠકોની પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી (BJP) એ ચૂંટણી પ્રચારમાં પોતાની પૂરી તાકાત ઝોંકી દીધી છે. ભાજપ દ્વારા ચૂંટણી પ્રચારને વેગ આપવા માટે 20 દિગ્ગજ નેતાઓની સ્ટાર પ્રચારક તરીકે પસંદગી કરવામાં આવી છે. ચૂંટણી જંગમાં જંગી જીત સુનિશ્ચિત કરવા માટે પક્ષ દ્વારા મુખ્યમંત્રીથી લઈને મંત્રીઓ અને સ્થાનિક લોકપ્રિય ધારાસભ્યોની ફોજ મેદાનમાં ઉતારવામાં આવી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી કમાન્ડ સંભાળશે

ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર પાંડેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ જેવાં કે ઋષિકેશ પટેલ, પ્રવીણ માળી અને સ્વરૂપજી ઠાકોરને પણ પ્રચારની મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. સ્ટાર પ્રચારકોની આ યાદીમાં જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજા અને ગાંધીનગર ઉત્તર તથા દક્ષિણના સ્થાનિક ધારાસભ્યોનો પણ સમાવેશ કરાયો છે.

ઓખા નગરપાલિકા માટે પબુભા માણેક અને પૂનમબેન માડમની એન્ટ્રી

ઓખા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ગઢ અકબંધ રાખવાના હેતુથી જામનગરના સાંસદ પૂનમબેન માડમ અને દ્વારકાના અનુભવી નેતા પબુભા માણેકનો ખાસ સ્ટાર પ્રચારકોમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ પ્રચારકો આવનારા દિવસોમાં ગાંધીનગર મનપા, નગરપાલિકાઓ અને પેટા ચૂંટણીવાળા વિસ્તારોમાં જાહેર સભાઓ, રોડ શો અને જનસંપર્ક કાર્યો દ્વારા ભાજપના ઉમેદવારોની તરફેણમાં મોટું વાતાવરણ ઊભું કરશે.

આ પણ વાંચો : Ahmedabad News : આખરે બે મહિના બાદ રચાઈ કમિટી, GTUના નવા VC માટે ચાર સભ્યોની સર્ચ કમિટીની સત્તાવાર જાહેરાત!