ગુજરાતમાં વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યાર બાદ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થશે. હાલમાં રાજ્યમાં વરસાદની અછત, ખાતરની અછત અને પાકના ભાવમાં વધારો નહીં મળવા સહિતના મુદ્દાઓ પર રાજ્યના ખેડૂતો સરકાર સામે રોષે ભરાયા છે. બીજી તરફ ખેતરમાં ખાનગી કંપનીઓની વીજ લાઈનો સહિતના થાંભલા નાંખવા અને તેના વળતર મુદ્દે પણ આંદોલનો ચાલી રહ્યાં છે. ત્યારે ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા ગ્રામીણ વિસ્તારો અને ખેડૂત મતદારોને રીઝવવા માટે એક રણનીતિ ઘડવામાં આવી છે.
પ્રથમ અભિયાન 'ચાલો ભેરુ ગામડે'
આ કવાયતના ભાગરૂપે ભાજપ કિસાન મોરચા દ્વારા ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ચૂંટણી પૂર્વે રાજ્યના ગામડાંઓ સર કરવા માટે બે મોટા જનસંપર્ક કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે.ખેડૂતો અને ગ્રામીણ નેતૃત્વને સીધા પક્ષ સાથે જોડવા માટે આ અભિયાન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.કમલમ ખાતે યોજાયેલી આ બેઠકમાં ચર્ચા કરાયા મુજબ, ભાજપ આગામી સમયમાં બે મોટા જનસંપર્ક અભિયાન શરૂ કરશે. પ્રથમ અભિયાન 'ચાલો ભેરુ ગામડે' અંતર્ગત પક્ષના કાર્યકરો અને નેતાઓ સીધા ગામડાંઓમાં જઈને ખેડૂતો સાથે સંવાદ કરશે અને તેમની મુશ્કેલીઓ જાણીને પક્ષનો સંદેશ પહોંચાડશે.
