ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં ભાજપના સ્થાનિક સંગઠનમાં ટિકિટને લઈને આંતરિક નારાજગી સામે આવી હતી. ટિકિટ કપાતા અનેક નેતાઓ નારાજ થયા હતાં. ત્યારે હવે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપમાં ભડકો થયો હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયામાં ભાજપ વિરૂદ્ધ નનામી પત્રિકા વાયરલ થતાં અનેક રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ પત્રિકામાં વોર્ડ નં 10માં માણસાનો પાટીદાર સમાજ નારાજ હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ પત્રિકામાં કોઈના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
ભાજપ વિરુદ્ધની એક નનામી પત્રિકા ભારે વાયરલ થઈ
ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ભાજપ દ્વારા કરવામાં આવેલી ટિકિટ ફાળવણીને લઈને પક્ષમાં આંતરિક અસંતોષ અને ભડકો જોવા મળી રહ્યો છે.સોશિયલ મીડિયામાં ભાજપ વિરુદ્ધની એક નનામી પત્રિકા ભારે વાયરલ થઈ છે.આ વાયરલ પત્રિકામાં ખાસ કરીને વોર્ડ નંબર 10માં માણસાના પાટીદાર સમાજમાં ભારે નારાજગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.જેમાં એવું જણાવવામાં આવ્યું છે કે પાટીદાર સમાજના એક જ જૂથમાંથી બે ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવી છે જ્યારે આ વોર્ડમાં આ જૂથના મતદારોની સંખ્યા પણ ઘણી ઓછી છે.પત્રિકામાં આક્રોશ વ્યક્ત કરતા દાવો કરાયો છે કે માણસાના પાટીદાર સમાજના લોકો ભાજપને તેનો પરચો બતાવશે.જોકે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી આ પત્રિકામાં કોઈ ચોક્કસ વ્યક્તિ કે હોદ્દેદારના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
