ગુજરાતમાં ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા પાણીજન્ય રોગોના વધતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી.આ બેઠકમાં મંત્રીએ દાવો કર્યો હતો કે દર વર્ષની સરખામણીએ હાલ મેલેરિયા સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને રાજ્યમાં મચ્છરોના ઉપદ્રવને નાથવા માટે તમામ મહાનગરપાલિકાઓના કમિશનરોને વિશેષ સૂચનાઓ આપવામાં આવી છે.
ડેન્ગ્યૂના કેસમાં 39 ટકાનો ઘટાડો
આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યભરની 42 હોસ્પિટલોમાં આવેલા નિદાન કેન્દ્રો પર મોટા પાયે સીરમ સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યા છે.જેના અંતર્ગત કુલ 1.35 લાખ સીરમ સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી.આ સઘન તપાસ દરમિયાન મેલેરિયાના કેસોમાં 22 ટકા અને ડેન્ગ્યુના કેસોમાં 39 ટકાનો નોંધપાત્ર ઘટાડો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.જોકે સીરમ સેમ્પલની આ તપાસમાં ડેન્ગ્યુના 2099 કેસ પોઝિટિવ નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે.આરોગ્ય મંત્રી પ્રફૂલ પાનશેરિયાએ કહ્યું હતું કે, ગુજરાતમાં ડેન્ગ્યુના કેસ અને પાણીજન્ય રોગો માટેની એક ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની મીટિંગ પૂર્ણ કરવામાં આવી છે.
