ગુજકોમાસોલની 65મી વાર્ષિક સાધારણ સભા ઉત્સાહભેર યોજાઈ હતી.આ સભામાં સંસ્થાની ઉત્કૃષ્ટ નાણાકીય કામગીરી રજૂ કરવામાં આવી હતી.ગુજકોમાસોલે વર્ષ 2025-26 દરમિયાન રૂ.11479 કરોડનું ઐતિહાસિક ટર્નઓવર નોંધાવ્યું છે.સંસ્થાની આ અભૂતપૂર્વ સફળતાને પગલે ચાલુ વર્ષે ખેડૂતોને 20 ટકા જેટલું માતબર ડિવિડન્ડ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ સભા દરમિયાન ચેરમેન દિલીપ સંઘાણીએ ટેકાના ભાવે ખરીદી અંગે એક મહત્વનું નિવેદન આપ્યું હતું.
સંસ્થા ખેડૂતોને ડિવિડન્ડ રૂપે વળતર આપે છે
ટેકાના ભાવે જણસની ખરીદી અંગે વાત કરતાં તેમણે સ્પષ્ટ કર્યું કે,ગુજકોમાસોલ દ્વારા ખરીદી કરવામાં આવે ત્યારે જ ખેડૂતોને સીધો ફાયદો થાય છે,કારણ કે તેની આવકમાંથી જ સંસ્થા ખેડૂતોને ડિવિડન્ડ રૂપે વળતર આપે છે.ભૂતકાળમાં ખરીદી ન આપવાના રાજકીય નિર્ણયો થયા હતા,પરંતુ જો માત્ર પુરવઠા નિગમ ખરીદી કરે તો ખેડૂતોને ડિવિડન્ડનો લાભ મળતો નથી. તેમણે ઉમેર્યું હતું કે, જ્યારે તેઓ ચૂંટાઈને આવ્યા ત્યારે સંસ્થાની ઓફિસ માત્ર 600 વારની હતી.પરંતુ ખેડૂતની ઓફિસ વીઘામાં હોવી જોઈએ તેવા વિચાર સાથે ગાંધીનગરમાં 5 વીઘા વિસ્તારમાં ભવ્ય ગુજકોમાસોલ ભવનનું નિર્માણ કરાયું છે.તેમણે ઉમેર્યું કે, કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે પણ સહકારી પ્રવૃત્તિના ઉત્કૃષ્ટ મોડેલ તરીકે ગુજકોમાસોલની મુલાકાત લેવા ભલામણ કરી છે.
