મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, શિક્ષણ એ વિકસિત સમાજ અને વિકસિત રાજ્યનો મુખ્ય આધાર સ્તંભ છે. કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2025ના બીજો દિવસ અને અષાઢી બીજના પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર જિલ્લાની પુન્દ્રાસણ પ્રાથમિક શાળામાં 197 બાળકોને શૈક્ષણિક કીટ ભેટ આપીને હોંશભેર શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.નબળી આર્થિક પરિસ્થિતિના પરિણામે કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા આશયથી રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ શિક્ષણલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે.
ખાનગી શાળા છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો
આજે રાજ્યની સરકારી શાળાઓ સ્માર્ટ ક્લાસ રૂમ સહિતની અનેક સુવિધાઓથી સુસજ્જ થઈ છે અને શાળાના શિક્ષકોનું શિક્ષણકાર્ય પણ વધુ જ્ઞાનસભર બની રહ્યું છે.તેની ફલશ્રુતિરૂપે છેલ્લા કેટલાક સમયમાં અનેક વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે.બાળકો શિક્ષિત થાય તે માટે દરેક સમાજ દ્વારા યથાયોગ્ય પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર વિવિધ સમાજની આવી શિક્ષણલક્ષી પહેલોમાં તેમની પડખે રહીને જરૂરી સહાય પૂરી પાડી રહી છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
197 ભૂલકાઓનો પ્રવેશ કરાવી હોંશભેર આવકાર્યા
મુખ્યમંત્રીએ કહ્યું કે, પોતાના ગામની શાળાને આદર્શ શાળા બનાવવા માટે શિક્ષકોએ અને SMC કમિટીએ શાળા શિક્ષણકાર્યને વધુ ગુણવત્તાયુક્ત બનાવવાની દિશામાં ચિંતા અને ચિંતન કરીને યોગ્ય પ્રયાસો કરવા જોઈએ.મુખ્યમંત્રીએ વાલીઓને પણ આગ્રહ સાથે બાળકોને દરરોજ શાળાએ ભણવા મોકલવા તેમજ તેના શિક્ષણમાં મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો.આ બાળકો જ ગુજરાતની ભાવિ પેઢી છે, જે વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુન્દ્રાસણ પ્રાથમિક શાળાની આંગણવાડીમાં 53, બાલવાટિકામાં 51, ધોરણ-1માં 48 તેમજ ધોરણ-8થી ધોરણ-9માં પ્રવેશપાત્ર 42 બાળકોને મળી કુલ 197 ભૂલકાઓનો પ્રવેશ કરાવી હોંશભેર શાળામાં આવકાર્યા હતા.