ગુજરાતમાં યોજાયેલી કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા વિસાવદર બેઠક પર મોટા માર્જિન સાથે જીતી ગયા છે. જેના કારણે માત્ર ગુજરાત જ નહીં દિલ્હીમાં પણ આ જીતની ઉજવણી કરવામાં આવી હતી. બીજી તરફ આ જીતની ખુશી વચ્ચે પાર્ટીમાં કકળાટ શરૂ થયો છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભામાં પક્ષના દંડક અને રાષ્ટ્રીય જોઇન્ટ સેક્રેટરી પદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે પક્ષમાં જાતિવાદી રાજનીતિના આક્ષેપ કર્યા હતાં. આમ આદમી પાર્ટીએ ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.
પાર્ટીમાં સવર્ણ સમાજને પ્રાધાન્ય અપાય છે
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય જોઇન્ટ સેક્રેટરી અને વિધાનસભાના દંડક પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે આમ આદમી પાર્ટી દ્વારા જાતિવાદી રાજનીતિ કરવાનો આક્ષેપ કર્યો છે. પાર્ટીમા સમાજના મુદ્દા ઉઠાવવામાં આવે છે. પાર્ટીમાં સવર્ણ સમાજને પ્રાધાન્ય અપાય છે. ચૂંટણી આવે ત્યારે OBC મતનો ઉપયોગ થાય છે.ભાજપ અને કોંગ્રેસ પાર્ટી પણ OBCમાંથી મુખ્યમંત્રી બનાવી શકી નથી. જે હેતુથી હું AAPમાં જોડાયો એમાં ક્ષતિ લાગે છે.
આમ આદમી પાર્ટીએ તેમને પક્ષમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા
તેમના આ નિવેદન બાદ આમ આદમી પાર્ટીએ તેમને પક્ષમાંથી પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ તેમને સસ્પેન્ડ કરી દેવાયા છે. તેમણે પક્ષમાં જાતિવાદી રાજનીતિના આક્ષેપ કર્યા હતાં. પક્ષ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ ઉમેશ મકવાણાએ કહ્યું હતું કે, મને સસ્પેન્ડ કર્યો તે બદલ કોળી સમાજ જવાબ આપશે. મારા રાજકીય હરીફો મારી પાર્ટીમાં છે.મને સસ્પેન્ડ કરવાનો નિર્ણય ઉતાવળીયો છે. સસ્પેન્શનનો નિર્ણય પ્રદેશ નેતાઓ ન કરી શકે. હું ધારાસભ્ય પદેથી રાજીનામું નહી આપુ. ભાજપ કે કોંગ્રેસને સમર્થન પણ નહી આપુ.
ઉમેશ મકવાણાના નિવેદનથી વિવાદ વકર્યો
ઉમેશ મકવાણાએ પાટીદાર અનામત આંદોલન સમિતી પર પણ આક્ષેપ કર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, પાસ કન્વીનરોએ અનેક લોકોનો ભોગ લીધો છે. તેમના આ નિવેદન બાદ વિવાદ વકર્યો છે. પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ ઉમેશ મકવાણાને જાતિવાદી ગણાવ્યા હતાં. પાસના લોકો જુદાજુદા પક્ષોમાં કામ કરે છે.ઉમેશભાઇ પોતાના સ્વાર્થ માટે કામ કરે છે. ઉમેશ મકવાણા નું નિવેદન જાતિવાદી છે. ઉમેશભાઇ પોતાના સ્વાર્થ માટે કામ કરતા હોય એવું લાગે છે.