રાજ્યમાં રેશનિંગ દુકાનો પર અનાજ અને સિંગતેલના પુરવઠાને લઈને ચાલતી વિવિધ ચર્ચાઓ વચ્ચે અન્ન અને નાગરિક પુરવઠા નિગમના મોનિટરિંગ ડાયરેક્ટર (MD) ચેતન ગણાત્રાનું ખુબ મોટું અને રાહત આપનારું નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે રાજ્યભરમાં તહેવારોના દિવસોને ધ્યાનમાં રાખીને રેશનિંગ સામગ્રીનું વિતરણ સુચારુરૂપે ચાલુ છે અને અત્યાર સુધીમાં કુલ જથ્થામાંથી 98% જેટલો સામાન સંબંધિત વિસ્તારોમાં પહોંચાડી દેવામાં આવ્યો છે. ગોડાઉનથી લઈને રેશનિંગ દુકાનો સુધી 96%થી વધુ જથ્થો સફળતાપૂર્વક પહોંચી ચૂક્યો છે.

1 લીટર સિંગતેલ અને 2 કિલો ખાંડ મળશે

સરકાર દ્વારા ઓક્ટોબર મહિનામાં જ એડવાન્સમાં અનાજ અને સામગ્રી વિતરણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ નિર્ણય હેઠળ દરેક રેશનકાર્ડ ધારકને કાર્ડદીઠ 1 લીટર ડબલ ફિલ્ટર્ડ સિંગતેલ આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, 1 કિલો વધારાની ખાંડ સાથે હવે રેશનકાર્ડ ધારકોને કુલ 2 કિલો ખાંડ મળશે. આંકડાકીય માહિતી આપતા તેમણે જણાવ્યું કે ઘઉં, ચોખા અને ચણાનો 98% જથ્થો, તુવેરદાળનો 97% જથ્થો તેમજ સિંગતેલના 93% પાઉચ દુકાનો સુધી પહોંચાડી દેવાયા છે. વડોદરા જેવા જિલ્લાઓમાં પણ 93.34%થી વધુ સિંગતેલના પાઉચ ઉપલબ્ધ કરાવી દેવાયા છે.

ખોટી અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ

કેટલીક જગ્યાએ પાછળથી રેશનિંગ દુકાનદારો દ્વારા વધારાની ડિમાન્ડ મોકલવામાં આવી છે, જેને પણ ટૂંક સમયમાં બાકીનો તેલ અને અનાજનો જથ્થો પૂરો પાડી દેવામાં આવશે. ચેતન ગણાત્રાએ રાજ્યના તમામ રેશનકાર્ડ ધારકોને આશ્વાસન આપતા જણાવ્યું છે કે તમામ નાગરિકોને પૂરતો અને ગુણવત્તાસભર જથ્થો મળશે. જેથી કોઈપણ નાગરિકે કે દુકાનદારે અનાજ કે તેલની અછત અંગેની ખોટી અફવાઓમાં આવવું નહીં. તંત્ર દ્વારા તમામ કક્ષાએથી પુરવઠાનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : Bhavnagar લઠ્ઠાકાંડમાં મોટો ખુલાસો, મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકી સહિત 9 આરોપીઓના આજે રિમાન્ડ પૂર્ણ, સાંજે કોર્ટમાં કરાશે રજૂ