મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નગરો-મહાનગરોમાં સુખાકારી અને સેવા-સુવિધાઓ, સિટીઝન સેન્ટ્રિક, ટ્રાન્સપરેન્ટ, એકાઉન્ટેબલ અને ટેકનોલોજી ડ્રિવન બનાવવાનું પ્રેરક આહવાન કર્યું છે.મુખ્યમંત્રીએ રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને સર્વાંગી વિકાસ કામો માટે કુલ 3850 કરોડની રકમના ચેક અર્પણ કર્યા હતાં. આ અવસરે મહાનગરપાલિકા-નગરપાલિકાના પદાધિકારીઓ, કમિશનરો અને ચીફ ઓફિસરોને નગર સુખાકારીના વધુને વધુ ગુણવત્તાયુક્ત પ્રજાકીય કામોમાં નાણાનો સદુપયોગ થાય તે સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો હતો.
17 મહાનગરપાલિકાઓને 2992 કરોડ પ્રાપ્ત થયા
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 17 મહાનગરપાલિકાઓને 2992 કરોડ અને 152 નગરપાલિકાઓને 858 કરોડની રકમ વિકાસ કામો માટે તેમણે આપી હતી.ચેક વિતરણ કાર્યક્રમમાં અમદાવાદ મહાનગરપાલિકાને સૌથી વધુ રૂ.870 કરોડ તથા સુરત મહાનગરપાલિકાને રૂ.770 કરોડ અર્પણ કરવામાં આવ્યા હતા.જ્યારે વડોદરા મહાનગરપાલિકાને રૂ. 285 કરોડ, રાજકોટને રૂ. 232 કરોડ, ભાવનગરને રૂ. 105 કરોડ અને જામનગર મહાનગરપાલિકાને રૂ. 105 કરોડની ગ્રાન્ટની રકમ ફાળવાઈ છે.તે જ રીતે જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાને રૂ. 65-65 કરોડ પ્રાપ્ત થયા છે.
