ગાંધીનગર ટાઉનહોલ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ 2026નો કાર્યક્રમ યોજાયો હતો.આ જ્ઞાન અને નવીનતાને પ્રોત્સાહન આપતા ભવ્ય સમારોહમાં શિક્ષણ મંત્રી ડૉ.પ્રદ્યુમન વાજા અને રાજ્ય મંત્રી ત્રિકમ છાંગા પણ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે સેવા ફર્સ્ટ ઇનોવેશન ચેલેન્જનો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો.જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

વિદ્યાર્થી જીવનના દિવસોને યાદ કર્યા હતા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થી જીવનના દિવસોને યાદ કર્યા હતા.તેમણે હસતાં-હસતાં જણાવ્યું હતું કે વિદ્યાર્થી જીવન જ સૌથી શ્રેષ્ઠ હોય છે કેમ કે તેમાં ઘર કે બહારની કોઈ મોટી જવાબદારી હોતી નથી.કોલેજ કાળને યાદ કરતા તેમણે કહ્યું હતું કે ચાર મિત્રો ભેગા થાય ત્યારે કયું બહાનું કયા ઘરે ચાલશે તે અગાઉથી જ નક્કી કરી લેવાામાં આવતું હતું.કોલેજના સમયમાં મિત્રો સાથે મળીને ફિલ્મ જોવાની પણ અજબ આવડત હોય છે.અમારા સમયમાં તો અમદાવાદ કરતાં પહેલાં નડિયાદમાં ફિલ્મ રિલીઝ થતી હતી.અમદાવાદથી નડિયાદ જઈને ફિલ્મ જોઈને પાછા આવી જવાનું આયોજન પણ કોલેજ ટાઈમમાં જ કરવામાં આવતું હતું.મસ્તી પોતાની જગ્યાએ છેપરંતુ તેની સાથે કરિયર પણ એટલું જ મહત્વનું છે.યુવાનોએ ભણતરની સાથે પોતાના ઉજ્જવળ ભવિષ્ય અને કરિયરને હંમેશાં પ્રાથમિકતા આપવી જોઈએ.

યોજનાઓ વિશે બધાને ખબર હોય છે

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ઘણીવાર એવું બનતું હોય છે કે યોજનાઓ વિશે બધાને ખબર હોય છે.છતાં સમયસર આયુષ્માન કાર્ડ જેવું જરૂરી કાર્ડ કઢાવવામાં આવ્યું નથી હોતું અને છેલ્લા સમયે દોડાદોડ કરવાનો વારો આવે છે.જો સમયસર કાર્ડ ન કઢાવવામાં આવે તો મુશ્કેલીના સમયે દેવું કરવામાં જ આખો સમય ચાલ્યો જાય છે. તેમણે ઉપસ્થિત યુવાનો અને નાગરિકોને અપીલ કરી હતી કે સરકારની તમામ યોજનાઓની માહિતી મેળવો.માત્ર પોતાના પરિવારને જ નહીં પરંતુ જરૂરિયાતમંદ છેવાડાના માનવી સુધી આ યોજનાઓનો લાભ પહોંચાડો.વ્યક્તિને સરકારી યોજનાનો પૂરેપૂરો લાભ અપાવવો એ પણ એક ઉત્તમ સેવા જ છે.આગામી 7 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનને 25 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે.જેના અનુસંધાને રાજ્યભરમાં 'સેવા સંકલ્પ અભિયાન' શરૂ કરવામાં આવી રહ્યું છે. 

આ પણ વાંચોઃ Gujarat Weather News: ઉત્તર ગુજરાતવાસીઓ સાવધાન, બપોરે 1 વાગ્યા સુધી 9 જિલ્લામાં રેડ એલર્ટ