ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દક્ષિણ એશિયામાં પ્રથમવાર આયોજિત પ્રતિષ્ઠિત વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ 2026ની 10મી આવૃત્તિનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ વૈશ્વિક ફોરમમાં વિશ્વના 66 દેશોના 2000થી વધુ હિસ્સેદારો, વૈજ્ઞાનિકો અને ઉદ્યોગસાહસિકો સહભાગી થઈ રહ્યા છે.આગામી 18 સપ્ટેમ્બર સુધી યોજાનાર આ ચાર દિવસીય ફોરમમાં વૈશ્વિક સ્તરે ઉત્સર્જન ઘટાડવા,સર્ક્યુલર બિઝનેસ મોડેલ્સ અપનાવવા અને ટકાઉ આર્થિક વિકાસને વેગ આપવા અંગે ઊંડાણપૂર્વક મંથન કરવામાં આવશે.આ આયોજનથી દક્ષિણ એશિયાઈ દેશોમાં પર્યાવરણ અનુકૂળ નીતિઓ અને ટેકનોલોજીના આદાન-પ્રદાનને એક નવી દિશા મળશે.

વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,ગુજરાતની ધરતી પર એક એવી વૈશ્વિક ચિંતનયાત્રાનો આરંભ થઈ રહ્યો છે જે માત્ર અર્થવ્યવસ્થાની દિશા નક્કી કરવાની નહીં, પરંતુ આવનારી પેઢીઓનું ભવિષ્ય નક્કી કરવાની યાત્રા છે.વર્લ્ડ સર્ક્યુલર ઇકોનૉમી ફોરમ 2026નું સૌ પ્રથમ વખત ભારતમાં આયોજન થઈ રહ્યું છે.ભારત ઉપરાંત 66 દેશોના પ્રતિનિધિઓ,આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો અને 55 આંતરરાષ્ટ્રીય વક્તાઓની ભાગીદારી આ ફોરમના વૈશ્વિક મહત્વને દર્શાવે છે.ગુજરાતે ઔદ્યોગિક વિકાસ, પુનઃપ્રાપ્ય ઊર્જા, કચરા અને જળ વ્યવસ્થાપન તેમજ સંસાધન કાર્યક્ષમતા જેવાં ક્ષેત્રોમાં વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવી અનેક પહેલો કરી છે. 

આપણે ગ્રોથ પણ જોઈએ અને ગ્રીનરી પણ જોઈએ

તેમણે કહ્યું હતું કે, મંદિરમાં ભક્તો દ્વારા અર્પણ થતાં ફૂલ, બિલીપત્ર, દૂધ, જળ, પંચામૃત, કપડાં કે અન્ય સામગ્રીને કચરો સમજીને ફેંકી દેવામાં આવતી નથી. અભિષેકમાંથી નીકળતા પવિત્ર પ્રવાહીને વૈજ્ઞાનિક પદ્ધતિથી શુદ્ધ કરીને ‘સોમ-ગંગા જળ’તરીકે ભક્તો સુધી પહોંચાડવામાં આવે છે.મંદિર અને ટ્રસ્ટની વ્યવસ્થામાંથી નીકળતાં ફૂલ, બિલીપત્ર અને ભોજનના જૈવિક કચરાને વૈજ્ઞાનિક પ્રક્રિયા દ્વારા ખાતરમાં પરિવર્તિત કરવામાં આવે છે.સર્ક્યુલર ઇકોનોમી ભારતની પ્રાચીન પરંપરાઓનો પણ હિસ્સો રહી છે.રિયુઝિંગ અને રિસાયક્લિંગ આપણાં જીવન સાથે સહજ રીતે જોડાયેલાં છે. વેસ્ટ ટુ વેલ્થ અને કચરા વ્યવસ્થાપનના મોડલ દ્વારા ગ્રામીણ અર્થવ્યવસ્થાને પણ ગતિ આપવામાં આવી રહી છે. આપણે ગ્રોથ પણ જોઈએ અને ગ્રીનરી પણ જોઈએ, ઇન્ડસ્ટ્રી પણ જોઈએ અને ઇકોલોજી પણ જોઈએ,પ્રોસ્પેરિટી પણ જોઈએ અને સસ્ટેનેબિલિટી પણ જોઈએ, આ જ WCEF–2026ની સાચી ભાવના છે.

આર્થિક વિકાસ અને સમૃદ્ધિ માટેની સંભાવના

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઉપસ્થિત સર્વે ડેલીગેટ્સને આવકારતા જણાવ્યું હતું કે,બ્રિક્સ નવી દિલ્હી ઘોષણાપત્રમાં પણ આર્થિક સ્થિતિસ્થાપકતા અને ટકાઉ વિકાસ માટે સર્ક્યુલર ઇકોનોમીની અનિવાર્યતાને વૈશ્વિક સ્તરે પુનઃસમર્થન મળ્યું છે.સર્ક્યુલર ઇકોનોમીનો અર્થ માત્ર કચરાના નિકાલ કે રિસાયક્લિંગ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે સંસાધનોના સમગ્ર જીવનચક્ર,ડિઝાઇન,ઉત્પાદન,વપરાશ,પુનઃઉપયોગ,સમારકામ અને પુનઃઉત્પાદનને વધુ કાર્યક્ષમ અને ટકાઉ બનાવવાની વ્યાપક વિચારધારા છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે,ભારત હવે સર્ક્યુલર ઇકોનોમીના ક્ષેત્રમાં એક મોટી સંભાવના તરીકે ઉભરી રહ્યું છે.વર્ષ 2050 સુધીમાં ભારતની સર્ક્યુલર ઇકોનોમીનું બજાર મૂલ્ય 2 ટ્રિલિયન ડોલરથી વધુ થવાની અને લગભગ 1 કરોડ રોજગારીની તકો ઊભી થવાની સંભાવના છે.આથી, આજના સમયમાં સર્ક્યુલર ઇકોનોમી માત્ર આપણા પર્યાવરણ અને ઇકોસિસ્ટમને સહારો આપવાનો માર્ગ નથી.તે હવે આર્થિક વિકાસ અને સમૃદ્ધિ માટેની એક મોટી સંભાવના પણ બની રહી છે. 

આ પણ વાંચોઃ Gujarat News: રાજકોટ કોર્ટ, નાયરા રિફાઈનરી અને મહાત્મા મંદિરને ઉડાવી દેવાની ધમકી