રાજ્યમાં રોડ-રસ્તાના કામોની વર્તમાન પરિસ્થિતિ અને તેની ગુણવત્તાની સમીક્ષા કરવા માટે CM ની અધ્યક્ષતામાં એક મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં નાયબ CM હર્ષ સંઘવી અને નાણામંત્રી કનુ દેસાઈ સહિત રાજ્યના મહત્ત્વના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત, શહેરોમાં ચાલી રહેલા કામોની સ્થિતિ જાણવા માટે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો પણ વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠકમાં જોડાયા હતા. સીએમ દ્વારા સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યો હતો કે, જાહેર જનતાની સુવિધા માટે થઈ રહેલા રસ્તાના કામોની ગુણવત્તામાં કોઈપણ ભોગે બાંધછોડ ચલાવી લેવાશે નહીં.
ગુણવત્તા સાથે ચેડાં કરનારા 13 કોન્ટ્રાક્ટરો બ્લેક લિસ્ટ
CM એ રસ્તાના કામની ગુણવત્તા જાળવવામાં નિષ્ફળ રહેલા કોન્ટ્રાક્ટરો સામે કડક વલણ અપનાવ્યું છે. સમીક્ષા દરમિયાન ધ્યાનમાં આવેલી ક્ષતિઓ અને ગુણવત્તામાં ચેડાં કરવા બદલ રાજ્ય સરકારે કુલ 13 કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક અસરથી બ્લેક લિસ્ટ કરવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણય દ્વારા સરકારે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પ્રજાના પૈસે થતા કામોમાં બેદરકારી કે ભ્રષ્ટાચારને કોઈ સ્થાન નથી. ગુણવત્તા સાથે ચેડાં કરનારા અન્ય કોન્ટ્રાક્ટરો સામે પણ ભવિષ્યમાં આવા જ કડક પગલાં લેવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.













