ગુજરાતમાં દવા ઉત્પાદક બે ફાર્માસ્યુટિકલ કંપનીઓની સીરપમાં ઝેરી પદાર્થ 'ડાયથિલીન ગ્લાઇકોલ (Diethylene Glycol - DEG)'ની જોખમી માત્રા મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ છે. મધ્યપ્રદેશમાં 'ઝેરી સીરપકાંડ'ની ઘટના બાદ હાથ ધરાયેલી સઘન તપાસમાં આ ખુલાસો થયો છે. ગુજરાતની આ બે કંપનીઓના સીરપના બે સેમ્પલ 'નોન ક્વોલિટી સ્ટાન્ડર્ડ' જાહેર થયા છે, એટલે કે તે ગુણવત્તાના માપદંડો પર ખરા ઉતર્યા નથી. આ ઘટનાથી દવાઓની ગુણવત્તા અને નિયમન પ્રણાલી પર ગંભીર સવાલો ઊભા થયા છે, કારણ કે આ ઝેરી પદાર્થ મનુષ્યો માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
કઈ સીરપમાં કેટલું ઝેર? ઉત્પાદન અને વેચાણ બંધ કરવા સૂચના
તપાસમાં જાણવા મળ્યું કે, શેપ ફાર્મા (Shape Pharma) કંપનીની 'રિલિફ સીરપ (Relief Syrup)'માં ઝેરી પદાર્થ ડાયથિલીન ગ્લાઇકોલનું પ્રમાણ 0.616% જેટલું ઊંચું જોવા મળ્યું છે. આ ઉપરાંત, બીજી કંપની રેડનેક્ષ ફાર્માસ્યુટીકલ (Rednex Pharmaceutical)ની 'રેસ્પીફ્રેશ TR સીરપ (Respifresh TR Syrup)'માં તો આ ઝેરી પદાર્થનું પ્રમાણ વધુ જોખમી સ્તરે એટલે કે 1.342% જેટલું સામે આવ્યું છે. આ અહેવાલો બાદ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે. બંને કંપનીઓને તેમની સીરપનું ઉત્પાદન તાત્કાલિક ધોરણે બંધ કરવા અને બજારમાં વેચેલો તમામ જથ્થો પરત ખેંચવા માટે કડક સૂચના આપવામાં આવી છે.













