સાયબર ફ્રોડ આચરતી આંતરરાષ્ટ્રીય ગેંગ વિરુદ્ધ ગુજરાત પોલીસે હાથ ધરેલા અતિ આક્રમક અભિયાનમાં ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સને અભૂતપૂર્વ સફળતા સાંપડી છે. કુલ રૂ. 10.71 અબજના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ મોડ્યુલનો ભંડાસફોડ કરીને આસામ ખાતેથી મુખ્ય સૂત્રધાર રફીકુલ આલમની ધરપકડ કરવામાં આવી છે.

ગાંધીનગર સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની મોટી સફળતા

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે રફીકુલ આલમ સીધો ચાઇનીઝ સાયબર ક્રિમિનલ્સના સંપર્કમાં હતો. આ એક સફળ ઓપરેશનથી દેશભરમાં નોંધાયેલા ડિજિટલ ફ્રોડના 1,090 જેટલા જટિલ ગુનાઓનો એકસાથે ઉકેલ લાવવામાં સફળતા મળી છે. ગાંધીનગર સાયબર ટીમે સમયસૂચકતા દાખવીને લાઈવ ડિજિટલ એરેસ્ટ ચાલી રહ્યા હતા તેવા 10 પીડિતોને ઓનલાઈન ઠગાઈનો ભોગ બનતા અટકાવ્યા છે. જેમાં ગુજરાતના અમદાવાદ, સુરત અને જામનગરમાં થનારી મોટી છેતરપિંડી રોકવામાં આવી હતી, જ્યારે અન્ય 5 રાજ્યોના પીડિતોને પણ ડિજિટલ એરેસ્ટની જાળમાંથી બચાવી લેવાયા હતા.

રૂ. 10.71 અબજના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ

છેતરપિંડીની રકમ મેળવ્યાના માત્ર 3 જ કલાકમાં 1,754 જેટલા શંકાસ્પદ બેંક ખાતાઓમાં નાણાં નાના નાના હિસ્સામાં સ્પ્લિટ (ડાયવર્ટ) કરી દેવાતા હતા. બેંક એકાઉન્ટમાંથી મેળવેલા નાણાંમાંથી ક્રિપ્ટોકરન્સી ખરીદી લેવામાં આવતી અને આ ક્રિપ્ટો કન્વર્ટેડ નાણાં ચીન સ્થિત ક્રિમિનલ નેટવર્કને મોકલી આપવામાં આવતા હતા. આરોપીના મોબાઇલ ફોનની ટેકનિકલ તપાસ દરમિયાન 23 સક્રિય ક્રિપ્ટો વોલેટ મળી આવ્યા છે, જેમાંથી પ્રાથમિક રીતે રૂ. 16 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ટ્રેસ થઈ છે.

આ પણ વાંચો: Gandhinagar: ગુજરાત પંચાયત વિભાગમાં TDO વર્ગ-2 ના 4 અધિકારીઓને વર્ગ-1 માં હંગામી પ્રમોશન