ગાંધીનગર જિલ્લાના દહેગામમાંથી સરકારી કામોમાં ચાલતા લોલમલોલ અને ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો સામે આવ્યો છે. દહેગામ-નરોડા હાઇવે પર નર્મદા કેનાલ પર આવેલા રાયપુર કેનાલ બ્રિજની સાઇડની પેરાપીટનો એક મોટો હિસ્સો અચાનક કડાકાભેર ધરાશાયી થઈ ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે, લાખો રૂપિયાના આંધણ કર્યા બાદ બ્રિજ શરૂ થયાના માત્ર 111 જ દિવસમાં આ પુલ તૂટી પડ્યો છે.


લોકો વર્ષ સુધી હેરાન થયા અને પરિણામમાં મળ્યો 'ભ્રષ્ટાચાર'

સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ રાયપુર કેનાલ બ્રિજ ભારે જર્જરિત હોવાના કારણે તેના સમારકામ માટે તેને આશરે એક વર્ષ સુધી વાહનવ્યવહાર માટે સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યો હતો. આ એક વર્ષ દરમિયાન સ્થાનિક લોકો અને વાહનચાલકોએ ભારે હાલાકી ભોગવી હતી. લાખો રૂપિયાના ખર્ચે આ પુલનું સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ થોડા જ સમયમાં આ બ્રિજનો મોટો હિસ્સો તૂટી પડતાં આ કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.

'વર્ષો સુધી કંઈ નહીં થાય' તેવા સરકારી બાબુઓના દાવા ખોખલા સાબિત થયા

જ્યારે આ બ્રિજનું રિપેરિંગ કામ પૂર્ણ થયું, ત્યારે નર્મદા કેનાલના ઉચ્ચ અધિકારીઓ અને સરકારી બાબુઓ દ્વારા મીડિયા સમક્ષ મોટા-મોટા દાવા કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ મગરૂરીપૂર્વક જણાવ્યું હતું કે, બ્રિજનું બબ્બે વાર કડક ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે અને હવે આ પુલને વર્ષો સુધી કંઈ જ નહીં થાય. જોકે, માત્ર 111 દિવસમાં જ પુલની દીવાલ ધરાશાયી થતાં સરકારી બાબુઓના આ પોકળ દાવાઓ હવામાં ઓગળી ગયા છે, અને તેમની મિલીભગત ખુલ્લી પડી ગઈ છે.

નબળા કામ મામલે જવાબદારો સામે કડક પગલાં ભરવા પ્રબળ માગ

ધોળે દિવસે હાઇવે પર બ્રિજનો આટલો મોટો હિસ્સો તૂટવાની ઘટનાને પગલે વાહનચાલકોના જીવ પણ જોખમમાં મુકાયા છે. જો આ દીવાલ ચાલુ ટ્રાફિકે કોઈ વાહન પર પડી હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત. આ ઘટનાને પગલે સ્થાનિક જનતામાં તંત્ર સામે પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે. લોકો હવે માગ કરી રહ્યા છે કે, કોન્ટ્રાક્ટર અને મિલીભગત ધરાવતા સરકારી એન્જિનિયરો-બાબુઓ સામે તાત્કાલિક તપાસ કમિટી બેસાડીને કડક કાયદેસરના પગલાં ભરવામાં આવે.


આ પણ વાંચો - Gandhinagarમાં ડિજિટલ ક્રાંતિ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોન્ચ કર્યો ‘PM-ફેમિલી કેર ટ્રેકર’ પાયલોટ પ્રોજેક્ટ


  • Follow us on: