ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ ગુજરાતના વિઝનને સાકાર કરવાના ભાગરૂપે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા વધુ એક નક્કર પહેલ હાથ ધરવામાં આવી છે.સરકારી યોજનાઓના મૂલ્યાંકન અભ્યાસની કામગીરીને વધુ ઝડપી,પારદર્શક અને પેપરલેસ બનાવવાના ઉદ્દેશ્યથી Transforming Survey Ecosystem Web Portal વિકસાવવામાં આવ્યું છે.મૂલ્યાંકન નિયામકની કચેરી દ્વારા નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC)ના ટેકનિકલ સહયોગથી તૈયાર કરાયેલા આ વેબ પોર્ટલ મારફતે હવે આગામી તમામ મૂલ્યાંકન અભ્યાસો સંપૂર્ણપણે ઓનલાઇન હાથ ધરવામાં આવશે.
યુઝર આઈડી અને પાસવર્ડ પૂરા પાડવામાં આવ્યા
આ કામગીરી સારી રીતે ચાલે તે માટે સચિવાલયના તમામ વિભાગોના સંયુક્ત સચિવો તથા નાયબ સચિવોને યુઝર આઈડી અને પાસવર્ડ પૂરા પાડવામાં આવ્યા છે. જેઓ પોતાના વિભાગની યોજનાના મૂલ્યાંકન અભ્યાસ માટે જરૂરી પરિપત્રો અને ચેકલિસ્ટ સાથે સમયસર સીધી જ ઓનલાઇન દરખાસ્ત સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગને મોકલી શકશે.સામાન્ય વહીવટ વિભાગ દ્વારા દરખાસ્તની યોગ્યતા ચકાસ્યા બાદ તેને નિયામક,મૂલ્યાંકન કાર્યાલયને ઓનલાઇન તબદીલ કરવામાં આવશે.ત્યારબાદ મૂલ્યાંકન કચેરી દ્વારા સ્ટડી ડિઝાઇન,મેથોડોલોજી તેમજ મૂલ્યાંકન અહેવાલ તૈયાર કરવાની તમામ કામગીરી ઓનલાઇન હાથ ધરવામાં આવશે.
