ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ રાજ્યના જળાશયોમાં પાણીના સંગ્રહની વર્તમાન સ્થિતિ ગંભીર ચિંતાનો વિષય બની રહી છે.રાજ્યમાં જળાશયોમાં વાસ્તવિક પાણીનો જથ્થો અપેક્ષા કરતા ઓછો જોવા મળી રહ્યો છે.જેના કારણે આગામી દિવસોમાં પીવાના અને સિંચાઈના પાણીને લઈને પ્રશ્નો ઊભા થઈ શકે છે.સરકારી આંકડાઓ મુજબ રાજ્યના મુખ્ય નર્મદા ડેમ સિવાયના અન્ય 206 જળાશયોમાં હાલ સરેરાશ માત્ર 63.49 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.સરદાર સરોવર નર્મદા ડેમ સહિત રાજ્યના કુલ 207 જળાશયોનો સંયુક્ત પાણીનો સંગ્રહ 77.09 ટકા જેટલો નોંધાયો છે જેના લીધે મોટી રાહત અનુભવાઈ રહી છે.

આટલા જળાશયોમાં જળસ્તર ઝડપથી ઘટી રહ્યું છે 

કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જળસંગ્રહની સ્થિતિ અત્યંત નબળી છે.કચ્છ જિલ્લામાં માત્ર 30.09 ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે.જ્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં પણ સ્થિતિ ચિંતાજનક છે જ્યાં માત્ર 46.29 ટકા જ પાણી ઉપલબ્ધ છે.આ બંને વિસ્તારોમાં પાણીનું સ્તર નીચું જવું આગામી ઉનાળાની સીઝન માટે સ્થાનિક પ્રશાસન અને નાગરિકો બંને માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે.206 જળાશયોની વિગતવાર સમીક્ષા કરીએ તો તેમાંથી 127 જેટલા મોટા જળાશયો એવા છે જેમાં 50 ટકા કરતાં પણ ઓછું પાણી બચ્યું છે.આ અડધાથી ઓછું પાણી ધરાવતા 127 જળાશયોમાં સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોનો જ સમાવેશ થાય છે.જેમાં સૌરાષ્ટ્ર ઝોનનાં જ 101 જળાશયો અને કચ્છનાં 15 જળાશયો સામેલ છે.આ જળાશયોમાં જળસ્તર ઝડપથી ઘટી રહ્યું છે તે ખેતી અને પશુપાલન માટે ગંભીર સંકેત આપી રહ્યું છે.

પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે અપીલ

આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર પણ હરકતમાં આવી ગઈ છે.જળસંકટ અને પાણીના યોગ્ય આયોજન અંગે વાત કરતા રાજ્ય સરકારના મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે રાજ્યના નાગરિકોની જરૂરિયાતને પ્રાથમિકતા આપીને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં આરક્ષિત રાખવામાં આવશે.જળાશયોમાં ઉપલબ્ધ પાણીના જથ્થાની યોગ્ય ઉપલબ્ધતા અને પીવાના પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે.જેથી પાણીનો બગાડ અટકાવી શકાય અને ઉપલબ્ધ જથ્થાનો મહત્તમ ઉપયોગ થઈ શકે.સરકારે ખેડૂતો અને નાગરિકોને પણ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા માટે અપીલ કરી છે.

રાજકોટમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ આવ્યો

બીજી તરફ રાજકોટવાસીઓ માટે પીવાના પાણીની સમસ્યાનો મોટો ઉકેલ આવ્યો છે.ચાલુ વર્ષે નબળા વરસાદને કારણે રાજકોટમાં જળસંકટ ઘેરાય તેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. આ પરિસ્થિતિને ધ્યાને રાખી મહાનગરપાલિકા દ્વારા રજૂઆત કરાતા સૌની યોજના મારફતે આજી ડેમ અને ન્યારી ડેમમાં નર્મદાના નવા નીર ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા નર્મદાના નીરના સહર્ષ વધામણાં કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ Gangotri Highway Accident: ગંગોત્રી હાઇવે પર નદીમાં ખાબકી ગુજરાતના શ્રદ્ધાળુઓની કાર.. 4 લોકોના મોત