અમદાવાદમાં અડાલજ કેનાલ પર થયેલી હત્યાના આરોપી વિપુલનું પોલીસ એન્કાઉન્ટર થતાં મૃતક વૈભવના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. લગભગ 19 વર્ષ બાદ ગુજરાતમાં આવી ઘટના બની છે, જ્યાં આરોપીનું એન્કાઉન્ટર થયું હોય અને મૃતકના પરિવારને તુરંત ન્યાય મળ્યો હોય. વૈભવના પિતા શંકરજીએ જણાવ્યું કે, "આજે અમને એ વાતનો સંતોષ છે કે અમારા જેવી હાલત હવે કોઈ અન્ય માતા-પિતાની નહીં થાય." જોકે, તેમણે ઉમેર્યું કે, "અમે અમારી અનમોલ ચીજ (પુત્ર) ગુમાવી છે, તે હવે ક્યારેય પાછી નહીં મળે. ભલે કોઈનો એન્કાઉન્ટર થાય કે ફાંસી થાય, પણ અમારો પુત્ર પાછો નહીં આવે. બસ, બીજા કોઈનો પુત્ર ન જાય તે વાતનો અમને સંતોષ છે."
આરોપીને ખુલ્લો છોડવા પર સવાલો
વૈભવના પિતાએ ગુજરાત પોલીસનો આભાર માન્યો અને આવા ગુનેગારોનો અંજામ એન્કાઉન્ટર જ હોવો જોઈએ તેમ જણાવ્યું. તેમણે કહ્યું કે, "જો આવા સાયકો કિલરને ખુલ્લા છોડી દેવામાં આવે, તો દરેક માતા-પિતા માટે પોતાના બાળકને ઘરની બહાર મોકલવું મુશ્કેલ બની જશે." તેમણે ઉમેર્યું કે, "આરોપી વિપુલ સામે અગાઉ પણ ઘણા કેસ હતા, છતાં તેને ખુલ્લો છોડી દેવાયો હતો, જે સમાજ અને બાળકો માટે મોટો ખતરો હતો. આ ઘટના તે જ સમયે થઈ જવી જોઈતી હતી, જ્યારે તેને જામીન મળ્યા હતા."













