ગાંધીનગરમાં લૂંટ અને હત્યાના ગુનાને અંજામ આપનાર કુખ્યાત સાયકો કિલર વિપુલ ઉર્ફે વિમલ ઉર્ફે નીલ પરમારની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ આરોપીએ અડાલજ નજીક અમિયાપુર કેનાલ પર એક યુવક અને યુવતી પર હુમલો કરી લૂંટ ચલાવી હતી અને બાદમાં યુવકની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના DCP અજિત રાજીયનના જણાવ્યા મુજબ આ ઘટના તા.20મી સપ્ટેમ્બરના રોજ બની હતી.


અડાલજ નજીક અમિયાપુર કેનાલ પર કરી હતી હત્યા

આરોપી વિપુલ પરમારે એક નિર્જન જગ્યાએ યુવક અને યુવતીને નિશાન બનાવ્યા હતા. લૂંટના ઇરાદે હુમલો કર્યા બાદ તેણે ક્રૂરતાપૂર્વક યુવકની હત્યા કરી દીધી હતી. DCP રાજીયને વધુમાં જણાવ્યું હતું કે પોલીસને બાતમીદારો પાસેથી મળેલી માહિતીના આધારે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી માનસિક વિકૃત છે અને તે આવા અવાવરું સ્થળોએ લૂંટ અને હત્યાના ગુનાઓને અંજામ આપતો હતો.

લૂંટ બાદ ક્રૂરતાપૂર્વક યુવકની કરી હતી હત્યા 

આ ગુનો બન્યા બાદ તે જુદા જુદા વિસ્તારોમાં ફરતો હતો. કેમ કે તેને ખ્યાલ આવી ગયો હતો કે આ મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ લાંબો છે. તેણે 2021માં પણ હત્યાના ગુનાને અંજામ આપ્યો હતો અને તે અગાઉ અનેક ચોરીના ગુનાઓમાં પણ સંડોવાયેલો છે. આ ગુનાને ડિટેક્ટ કરવા માટે DGP દ્વારા સૂચના આપવામાં આવી હતી. મહિલા પી.આઈ. એમ.એસ. ગોહેલની ટીમે આ કુખ્યાત આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસ હાલ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે.


  • Follow us on: